ગણપતિ બપ્પા મોરયા. દુંદાળા દેવ ગણેશજીના ભક્ત કોણ નથી. ભારતમાં ગણેશ ચતુર્થી પર ધામધૂમથી ગણપતિની સ્થાપના કરી તેમની વિશાળકાય પ્રતિમાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. પ્રથમ પૂજનીય દેવ ગણેશજીની ભક્તિભાવથી આરાધના કરવામાં આવે છે અને ગણપતિ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જામે છે. પરંતુ શું તમે ભારતના તમામ પ્રખ્યાત ગણેશ મંદિરો વિશે જાણો છો…કે પછી આ વિનાયક મંદિરોની વિશેષતાઓ વિશે તમે જાણો છો. તો ચાલો આજે તમને જણાવીએ ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા ગણેશ મંદિરો વિશે જેનો અનોખો મહિમા છે.
શ્રી સિદ્ધિવિનાયક મંદિર – મુંબઈ,મહારાષ્ટ્ર
- Advertisement -
મહારાષ્ટ્રના મુંબઈનું નામ પડે અને સૌ કોઈને યાદ આવે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું આ ગણપતિ મંદિર ભારતભરમાં ગણેશ મંદિરોમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. ઈ. સ. 1801માં નિર્માણ પામેલા આ મંદિરની અંદર માથું નમાવવા માટે ભક્તોની ભીડ રહેતી હોય છે. મુંબઈની માયાનગરીના સેલિબ્રિટીઝ અને જાણીતા લોકો સિદ્ધિવિનાયક મંદિરે દર્શન અને પૂજા અર્ચના કરવા આવતા હોય છે. અહીંના ગણેશજીને નવસાચા ગણપતિતરીકે ઓળખવામાં આવે છે,જેમના નામનો અર્થ થાય છે જે તમે અહીં સાચા મનથી ઈચ્છા કરશો તે ફળીભૂત થશે. મંદિરમાં પ્રવેશવા માટે બે દ્વાર છે. સિદ્ધિ ગેટથી વિનામૂલ્યે ભગવાનના દર્શન કરવા જઈ શકાય છે જ્યારે રીદ્ધિ ગેટથી સામાન્ય દર્શન થાય છે. જ્યાં સિનિયર સિટીઝન, બાળકો, દિવ્યાંગો, નાના બાળકો સાથેની મહિલાઓ, એનઆરઆઈ માટે દર્શનની ખાસ સુવિધા છે જ્યાં 50 રુપિયા ચડાવી પેઈડ દર્શન કરી શકાય છે. સિદ્ધિવિનાયક મંદિર જવા માટે તમારે મુંબઈ પહોંચવાનું રહે છે. દેશના તમામ શહેરોમાંથી બસ, ટ્રેન, પ્લેનની સુવિધા મળી રહે છે. મુંબઈના પ્રભાદેવી વિસ્તાર જવા માટે તમે બસ કે ટેક્સી દ્વારા જઈ શકો. અને ટ્રેનથી જવું હોય તો દાદરની લોકલ ટ્રેન દ્વારા જઈ શકો.
શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણેશમંદિર – પૂણે,મહારાષ્ટ્ર
સિદ્ધિવિનાયક મંદિર બાદ મહારાષ્ટ્રનું બીજું પ્રખ્યાત ગણેશમંદિર છે દગડુશેઠ હલવાઈ ગણેશમંદિર જે પૂણે ખાતે આવેલું છે. જ્યાં ગણપતિની સોનાજડિત મૂર્તિ 7.5 ફીટ ઊંચિ અને 4 ફીટ પહોળી છે.પ્રતિમાનો મુગટ 9 કિલોથી પણ વધુ વજન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના જાણીતા મીઠાઈ વિક્રેતા દગડુશેઠ હલવાઈ દ્વારા પોતાના મૃત પુત્રની યાદમાં 1893માં આ ભવ્ય ગણેશ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. કહેવાય છે કે લોકમાન્ય ટિળક દ્વારા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની શરૂઆત અહીંથી જ કરવામાં આવી હતી ત્યારથી અહીં દર વર્ષે ગણેશોત્સવની ધૂમ રહે છે. દગડુશેઠ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જામે છે. દગડુશેઠ મંદિરમાં દર્શન કરીને ભક્તોની મનોકામના પુર્ણ થતી હોવાનું અને વિઘ્નહર્તા સૌ વિઘ્ન દૂર કરતા હોવાની માન્યતા છે. શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર પહોંચવા માટે તમે સડક માર્ગ, રેલવે કે હવાઈ માર્ગથી પૂણે પહોંચી શકો છો. રેલવે સ્ટેશનથી આ મંદિર માત્ર 5 કિમી દૂર છે તો એરપોર્ટથી 12 કિમીના અંતરે આવેલું છે.
- Advertisement -
ગણપતિ પૂળે મંદિર-રત્નાગિરિ, મહારાષ્ટ્ર
ગણપતિ બાપ્પાની બોલબાલા મહારાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળે છે. અને મહારાષ્ટ્રમાં ગણપતિ મંદિરો પણ વધુ જોવા મળે છે ત્યારે મહારાષ્ટ્રના રત્નાગિરિમાં આવેલું ગણપતિ પૂલે મંદિર પણ પ્રસિદ્ધ છે. ગણપતિ પૂલે મંદિરમાં ગણેશજીની મૂર્તિ પશ્ર્ચિમ દિશા તરફની રહે તે રીતે સ્થાપિત કરવામાં આવી છે. આશરે 400 વર્ષ જૂની આ મૂર્તિ માટે એમ કહેવાય છે કે તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે.મંદિરની રચના એવી રીતે થયેલી છે કે ફેબ્રુઆરીથી નવેમ્બર મહિના સુધી મંદિરમાં સૂર્યના પ્રથમ કિરણો મળતા રહે છે. ગણપતિપૂલે કોંકણમાં સૌથી વધુ પૂજા કરાનાર મંદિરોમાંથી એક છે. મંદિર પાછળ એક નાનકડી પહાડી છે જે ગણેશજી સાથે જોડાયેલી છે અને શ્રદ્ધાળુઓ તેની પરિક્રમા કરતા હોય છે. ગણપતિ પૂલે જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ કોલ્હાપુર છે, રેલવે માર્ગ પસંદ કરો છો તો કોંકણ માર્ગ પર ભોકે સૌથી નજીકનું રેલવેસ્ટેશન છે, જો કે રત્નાગિરી પણ નજીક પડે. સડક માર્ગે ગણપતિપૂલે મુંબઈ, પુણે અને કોલ્હાપુર થઈને જઈ શકાય.
ઉચ્છી પિલ્લયર મંદિર તિરુચિરાપલ્લી, તમિલનાડુ
મહારાષ્ટ્ર બાદ કોઈ ગણેશ મંદિર પ્રખ્યાત છે તો તે છે ભારતના દક્ષિણ ભાગમાં તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચી , તામિલનાડુમાં આવેલું ઉચ્છી પિલ્લયર મંદિર. 7મી શતાબ્દિમાં નિર્માણ પામેલું આ ગણેશ મંદિર ત્રિચીના રોક ફોર્ટ પર આવેલું છે. આ સુંદર મંદિર 273 ફુટની ઊંચાઈએ આવેલું છે જ્યાં પહોંચવા માટે લગભગ 400 પગથિયા ચડવા પડે છે. આ મંદિરમાં ગણેશજીની પૂજા બાદ 6 વખત આરતી થાય છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજવંશના સમયમાં પર્વત પર નિર્માણ પામેલું આ મંદિર બેનમૂન પર્વતીય સ્થાપત્યનું ઉદાહરણ છે. મંદિરને લઈને માન્યતા છે કે ગણેશજી વિભીષણથી છુપાઈને અહીં આવ્યા હતા. કહેવાય છે કે ક્રોધિત વિભીષણે ગણેશજી પર પ્રહાર કર્યો જેના નિશાન અહીંના મૂર્તિના મસ્તક પર જોવા મળે છે.
ગણેશટોક મંદિર – ગંગટોક,સિક્કિમ
દક્ષિણ ભારત પછી એક નજર કરીએ ભારતની પૂર્વ છેડા પર. ભારતના પૂર્વોત્તર રાજ્ય એવા સિક્કિમની રાજધાની ગંગટોકમાં આવેલું,કાંચનજંઘાની ઊંચી અને નયનરમ્ય ગિરિમાળામાં આવેલું ગણેશટોક મંદિર અદ્ભુત છે. ગંગટોકમાં ટેકરીની ટોચ પર આવેલું આ મંદિર યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે ખૂબ પવિત્ર અને મુલાકાત લેવા યોગ્ય સ્થાનક છે.અહીંનું સુંદર હરિયાળું વાતાવરણ અને પર્વતીય પ્રદેશ પણ પર્વતારોહકો તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કારણ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લેતા હોયછે.
ત્રિનેત્ર ગણેશ મંદિર- રણથંભોર, રાજસ્થાન
પૂર્વ ભારતના ગણેશ મંદિરના દર્શન બાદ મુલાકાત લઈએ રાજા-રજવાડાંઓના પ્રદેશ એવા રાજસ્થાનના ગણપતિ મંદિરોની.રાજસ્થાનમાં મુખ્ય અને લગભગ 6500 વર્ષ પ્રાચીન ગણેશ મંદિર છે રણથંભોર નેશનલ પાર્કમાં આવેલું ત્રિનેત્ર ગણેશ મંદિર.એક કથા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણી પોતાના લગ્ન માટે આશીર્વાદ મેળવવા આ મંદિરે ગણેશજીના દર્શન કરવા ગયા હતા.રણથંભોરના કિલ્લાની અંદર આવેલા ત્રિનેત્ર ગણેશ મંદિરે દર વર્ષે લગ્ન પૂર્વે ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવવા લગ્નની કંકોત્રીઓ તથા ભેટસોગાદો મૂકવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે.ત્રિનેત્ર પ્રકારની મૂર્તિ સ્વરૂપનું આ ભારતનું પ્રથમ ગણેશમંદિર છે. દર વર્ષે ગણેશચતુર્થી દરમિયાન યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આ સ્થાનની મુલાકાતલેતા હોય છે.
કનીપકમ વિનાયક મંદિર- ચિત્તુર, આંધ્રપ્રદેશ
ગણપતિ બપ્પા દક્ષિણ ભારતમાં પણ પુરી આસ્થા સાથે પૂજાય છે. આંધ્રપ્રદેશના ચિત્તુરમાં આવેલું લગભગ 700 વર્ષ પૌરાણિક કનિપક્કમ ગણેશ મંદિર ખુબ જ પ્રાચીન અને સ્થાપત્યની દ્રષ્ટિએ અલૌકિક છે. આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે અહીં ભગવાન ગણેશની મૂર્તિનો આકાર વધી રહ્યો છે. વિનાયકચતુર્થીથી 20 દિવસ સુધી અહીં બ્રહ્મોત્સવ ઉજવવામાં આવે છે. નદીકિનારે આવેલું હોવાથી આ તીર્થને કનિપક્કમ કહેવામાં આવે છે. આ વિનાયક મંદિર આંધ્રપ્રદેશના તિરૂપતિથી માત્ર 72 કિમીના અંતરે આવેલું હોવાથી અહીંનું પણ ધાર્મિક મહત્વ વધી જાય છે. અહીં પહોંચવા માટે સડક માર્ગ દ્વારા તિરુપતિ બસસ્ટેશનથી બસ અને કેબ મળી શકે છે. તો ટ્રેન દ્વારા જવા ઈચ્છતા હો તો તિરુપતિ રેલવે સ્ટેશન 70 કિમી અને હવાઈ માર્ગે તિરુપતિ એરપોર્ટ 86 કિમી દૂર છે.
કલામાસ્સેરી મહાગણપથી મંદિર – કોચ્ચિ, કેરળ
કેરળ રાજ્યમાં આવેલા આ મંદિરમાં ભગવાન ગણેશની સાથે સુબ્રમણ્યમ સ્વામી અને નવગ્રહોનો પણ સમાવેશ થાય છે.આ મંદિરમાં ભગવાન શંકર,દેવી પાર્વતી અને ભગવાન રામની મૂર્તિઓ પણ જોવા મળે છે. ઈ.સ.1 980માં બનેલું આ મંદિર સામાન્ય માણસના ધાર્મિક શ્રદ્ધા અને પ્રેમનું ઉદાહરણ પૂરૂ પાડે છે. મંદિર બહુ ભપકાદાર શૈલીમાં બનાવવામાં આવ્યું નથી,પણ તેનું સાદું સ્થાપત્ય પણ મનને ગમી જાય તેવું છે.શ્રદ્ધાળુઓ અહીં ચાલતા અષ્ટદ્રવ્ય મહાગણપતિ યજ્ઞમાં ભાગ લેતા હોય છે.દર ચાર વર્ષે અહીં ગજપૂજાનું આયોજન થાય છે.મલયાલમ કેલેન્ડરના કર્કડ્ડોકમ મહિનાના પ્રથમ દિવસે મંદિરમાં આનાયૂટ્ટુનું આયોજન કરવામાં આવે છે.કોંક્રિટનું માળખું ધરાવતા આ સાદા ગણેશ મંદિરને શ્રદ્ધાળુઓ પ્રેમથી Roadside Ganapathy તરીકે ઓળખે છે.
વરસિદ્ધિ ગણેશ મંદિર-ચેન્નાઈ
ચેન્નાઈના વસંતનગર વિસ્તારમાં આવેલું ચેન્નાઈનું આ પ્રખ્યાત ગણેશ મંદિર છે.અહીં ભગવાન ગણેશની મૂર્તિ કે જે વાલમપુરી વરસિદ્ધિ વિનાયકાર તરીકે ઓળખાય છે,તેને જમણી તરફ તેમની પત્ની સિદ્ધિ સાથે સ્થાપિત થયેલી છે.મંદિરમાં દર વર્ષે ગણેશચતુર્થી નિમિત્તે ધાર્મિક સંગીતના કાર્યક્રમો થાય છે,જે શ્રદ્ધાળુઓ અને સંગીતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.ઉપરાંત,મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક વિશેષ ઓડિટોરિયમ પણ છે.