ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના ઢુવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામાં માટીના હોપર પાસે રમતા રમતા માટીના ઢગલા નીચે દટાઈ જવાથી સાત વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું જેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આ બનાવમાં મૃતક બાળકના પિતા દ્વારા યોગ્ય સલામતી નહિં રાખનાર કારખાનાના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત તા. 19 ફેબ્રુઆરીના રોજ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામાં માટીના હોપર પાસે રમતા રમતા માટીના ઢગલા નીચે દટાઈ જવાથી સાત વર્ષના કિશન સુનિલભાઈ ગોહેલ નામના માસૂમ બાળકનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતક બાળક કિશનના પિતા સુનિલભાઈ ખીમજીભાઈ ગોહેલ દ્વારા સિગ્નેચર કારખાનાના માલિકો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવમાં મૃતક બાળકના પિતાની ફરીયાદના આધારે કારખાનામાં યોગ્ય કાળજી કે સુરક્ષા નહીં રાખવા સબબ સિગ્નેચર કારખાનાના માલિકો વિરુદ્ધ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.