ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકામાં ગતસાંજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. હળવદ પંથકમાં રાત્રીના 8 થી 10 વાગ્યાના બે કલાકના સમયમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે ભારે વરસાદના કારણે નવા ઇશનપુર ગામના વોકળામાં પાણી આવતા કાર તણાઇ હોવાની ઘટના પણ બની હતી જોકે કારમાં સવાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત દર્દીને લઇને જતી 108 એમ્બ્યુલન્સ પણ અહીં ફસાઈ હોવાની માહિતી મળી હતી. હળવદ પંથકમાં થોડા દિવસોથી ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગતકાલે સાંજના મેઘરાજાએ હેત વરસાવ્યું હતું જેમાં સાંજના 8 થી 10 વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદના કારણે હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે જવાના વોકળામાં વધુ પાણી આવવાના કારણે એક કાર તણાઇ હતી જેમાં ઈશનપુરના શામજીભાઈ ચોટીલાથી આવેલા મહેમાનોને કારમાં હળવદ મુકવા જતાં હતા ત્યારે તેમની કાર વોંકળામાં તણાઈ ગઈ હતી જોકે કારમાં સવાર ત્રણ લોકોને ગ્રામજનોએ મહામહેનતે બચાવી લીધા હતા તો બીજી તરફ આ જ વોંકળા પાસે શ્વાસના દર્દીને લેવા આવેલી 108 એમ્બ્યુલન્સ સામાંકાંઠે ફસાઈ ગઈ હતી.
હળવદના નવા ઇશનપુર ગામના વોંકળામાં કાર તણાઈ, એમ્બ્યુલન્સ પણ ફસાઈ
