રાજકોટ જિલ્લાના ખેડૂતો આગામી ખરીફ ઋતુના પાકના આયોજન માટે જરૂરી બિયારણ તથા રાસાયણિક ખાતર જેવી પાયાની જરૂરિયાતોની ખરીદીમાં છેતરાય નહીં તે માટે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી વિશ્વાસુ પરવાનેદાર કે લાઇસન્સ હોલ્ડર પાસેથી સીલબંધ પેકિંગમાં જ ખરીદવાનો આગ્રહ રાખવો. બિયારણ સરકાર માન્ય તેમજ વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલી ભલામણ મુજબ જ ખરીદવાનો આગ્રહ રાખવો. તેમજ બિયારણની ખરીદીનું પાકું બિલ લેવું . સરકારમાન્ય ન હોય તેવા બિયારણની પરવાનેદાર પાસેથી કે અનઅધિકૃત વિક્રેતા પાસેથી અથવા તો સગાસંબંધીઓ પાસેથી ખરીદી ન કરવી. એક્સપાયરી ડેટ વીતી ગઇ હોય તેવું બિયારણ ન ખરીદવું તેમજ બીજ માવજત આપેલ હોય તેવું જ બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. માર્કેટમાં સરકાર માન્ય જુદી જુદી કંપનીની જુદી જુદી જાતો મળતી હોય છે જેને ધ્યાને લઇ કોઈ એક જ કંપનીના બિયારણ ખરીદીનો આગ્રહ રાખતા ઉપલબ્ધ પિયત તેમજ અન્ય સુવિધાઓને ધ્યાને લઈને બિયારણની જાત પસંદ કરવી. અનઅધિકૃત ખાતર કે બિયારણનું વેચાણ થતું જણાાય તો ફોન નં ૦૨૮૧-૨૪૫૨૦૪૩ ઉપર જાણ કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અધિકારી બી.એમ.આગઠની યાદીમાં જણાવાયું છે.


