કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મંગળવારે સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેશે. તેઓ બપોરે લગભગ 12 વાગ્યે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલશે.
કેન્દ્રની મોદી સરકાર મંગળવારે સંસદમાં પોતાની વિરુદ્ધ બીજા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ છે. પરંતુ આ દરમિયાન તમામની નજર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર રહેશે, જેઓ મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારી ચર્ચામાં ભાગ લેશે. તે જેવું રસપ્રદ રહેશે કે રાહુલ ગાંધી મણિપુર હિંસાને લઈને સંસદમાં શું કહે છે. તેઓ હિંસાગ્રસ્ત રાજ્યની જુલાઈમાં મુલાકાત પણ લઈ ચૂક્યા છે. કેન્દ્રની મોદી સરકારની વિરુદ્ધ 2018માં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતા. આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અચાનક પીએમ મોદી પાસે ગયા અને તેમને ગળે લગાવ્યા હતા.
- Advertisement -
માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
રાહુલ ગાંધીના એક નિવેદનને કારણે ચાર મહિના પહેલા 24 માર્ચે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર સ્ટે મૂક્યા બાદ સોમવારે તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની સદસ્યતા 24 માર્ચે રદ કરવામાં આવી હતી. સુરત કોર્ટ દ્વારા ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેમાં તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કાયદા મુજબ બે વર્ષ કે તેથી વધુ સજા થાય તો લોકપ્રતિનિધિનું સભ્યપદ રદ્દ થઈ જાય છે.
137 દિવસ બાદ સંસદમાં પરત ફર્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધી 2019માં કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક રેલીમાં ‘મોદી સરનેમ’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?’ આ મામલે આ વર્ષે 23 માર્ચે તેમને માનહાનિના દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. હવે 137 દિવસ બાદ રાહુલ ફરી સંસદમાં પરત ફર્યા છે.
‘મણિપુર મુદ્દે સંસદને સંબોધિત કરે PM મોદી’, વિપક્ષની માંગ
મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે 26 જુલાઈએ કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષ મણિપુર હિંસા પર સતત પીએમ મોદીના નિવેદનની સાથે વિગતવાર ચર્ચાની માંગ કરી રહ્યો છે. વાસ્તવમાં વિપક્ષ ઈચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર મુદ્દે સંસદને સંબોધિત કરે. લોકસભાની કારોબારી સલાહકાર સમિતિએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. પીએમ મોદી 10 ઓગસ્ટે આ પ્રસ્તાવનો જવાબ આપશે.
- Advertisement -
PM મોદીને 2018માં અવિશ્વાસ પ્રસ્તાવનો કરવો પડ્યો હતો સામનો
20 જુલાઈ 2018ના રોજ સંસદમાં PM મોદીને પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાને કારણે ભાજપની સહયોગી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી એનડીએથી અલગ થઈ ગઈ છે. આ પછી મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો .પરંતુ આ પ્રસ્તાવ પર 12 કલાકની ચર્ચા બાદ મોદી સરકારે અવિશ્વાસ પ્રસ્તાવને 199 મતોથી હરાવ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને 325 મતો મળ્યા હતા, જ્યારે વિપક્ષને આ પ્રસ્તાવના પક્ષમાં માત્ર 126 મતો મળ્યા હતા.