ખાસ-ખબર સંવાદદાતા
નાણાં વર્ષ 2023માં ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગે રૂપિયા 8.70 લાખ કરોડની કિંમતના મળી વિવિધ પ્રકારના કુલ 2.70 કરોડ વાહનોનું ઉત્પાદન કર્યું છે. આ વાહનોના એકંદર મૂલ્યમાં રૂપિયા પાંચ લાખ કરોડ અથવા તો 57 ટકા હિસ્સા સાથે સૌથી મોટો આંક ઊતારૂ વાહનોનો રહ્યો હતો.
આ ઉપરાંત નાના ફોર વ્હીલર્સ કેરિઅર વાહનો, ટ્રેકટર ટ્રેલર્સ, ટિપર્સ જેવા કમર્સિઅલ વાહનોની સંખ્યા દસ લાખ જેટલી રહી હતી જેમનું એકંદર મૂલ્ય રૂપિયા 1.70 લાખ કરોડ જોવાયું હતું. વાહનોના કુલ વોલ્યુમમાં કમર્સિઅલ વ્હીકલની સંખ્યા 4 ટકા રહી હતી જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ તેમનો હિસ્સો 19 ટકા જોવા મળ્યો હતો. દેશમાં ટુ વ્હીલર્સનું ઉત્પાદન લગભગ ચીન જેટલું જ જોવા મળ્યું હતું. ગયા નાણાં વર્ષમાં દેશમાં ઉત્પાદન વ્યવસ્થામાંથી બહાર પડેલા ટુ વ્હીલર્સની કુલ સંખ્યા બે કરોડ એકમ રહી હતી, જે વાહનોની એકંદર સંખ્યાના 77 ટકા જેટલી થવા જતી હતી.
- Advertisement -
ટુ વ્હીલર્સનું મૂલ્ય રૂપિયા 1.80 લાખ કરોડ રહ્યું હતું જે એકંદર મૂલ્યના 21 ટકા જેટલું થવા જાય છે એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું. દેશના ઓટો ઉદ્યોગમાં ગયા નાણાં વર્ષમાં અંદાજે 1.90 કરોડ લોકો રોજગાર પર હતા. ભારતમાં વીજથી ચાલતા વાહનોના ઉત્પાદનમાં સૌથી વધુ ટુ વ્હીલર્સ તથા થ્રી વ્હીલર્સની સંખ્યાજોવા મળી રહી છે. જો કે ચીન, અમેરિકા તથા યુરોપ જેવા જેવા દેશોની સરખામણી ભારત વીજ સંચાલિત વાહનોના ઉત્પાદનમાં ઘણું પાછળ છે, છતાં દેશમાં આ ક્ષેત્રમાં જંગી ઈન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે જે આવનારા વર્ષોમાં ભારત વીજ વાહન સેગમેન્ટમાં નોંધપાત્ર વધારો દર્શાવશે તેવા સંકેત આપતા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વ્યાપક ફેરબદલના આરે છે. વિદ્યુતીકરણ, ક્લીન ઊર્જા, ઈલેકટ્રોનિક સાધનોના વપરાશમાં વધારો ઉપરાંત ખાનગી ટેકસીઓના ફેલાવાથી દેશના ઓટો ઉદ્યોગમાં વ્યાપક પરિવર્તન આવી રહ્યું છે.