કેમેરામાં સ્થળ પરનું ઑડિયો અને વિડીયો રેકોર્ડિંગ થશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યાં છે. શહેરમાં 19 ટ્રાફિક પોલીસને કેમેરા આપવામાં આવ્યાં છે. આ કેમેરામાં સ્થળ પરનું ઓડિયો અને વિડિયો રેકોર્ડીંગ થાય છે. બોડી કેમેરાનો મુખ્ય ઉદેશ લોકો સાથે પોલીસનું અને પોલીસ સાથે લોકોનું કેવુ વર્તન છે જાણવાનો છે. અનેક વખત ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે સામાન્ય બબાલ થતી રહેતી હોય છે. ત્યાં બન્ને પક્ષને સાંભળ્યા બાદ પણ કોઇ ઉકેલ આવતો નથી. આવી પરિસ્થિતીમાં ટ્રાફિક પોલીસને આપેલા બોડી કેમેરા ખુબ જ ઉપયોગી બની રહ્યાં છે. જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે. તેમજ વાહન ચેકીંગ સહિતની કામગીરી કરતા હોય છે. જરૂર પડે ત્યારે વાહન ચાલકને દંડ પણ કરતા હોય છે. અનેક વખત ટ્રાફિક પોલીસને અને લોકો વચ્ચે ઘર્ષણ થતું હોય છે. વાહન ચાલક સાથે બોલાચાલી પણ થતી હોય છે.ત્યારે આવી ઘટનાઓની ઉપરી અધિકારી સુધી ફરિયાદ થતી હોય છે. પરંતુ અધિકારી પાસે ટ્રાફિક પોલીસ અને લોકો બન્ને સાચા હોવાની વાત કરતા હોય છે.આવા સ્થિતીમાં કોઇ નિર્ણય આવતો નથી. ત્યારે આવી સ્થિતીને પહોંચી શકાય તે માટે ટ્રાફિક પોલીસનાં જવાનને બોડી કેમેરા આપવામાં આવ્યાં છે. જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસ બોડી કેમેરાથી સજ્જ બની છે. જૂનાગઢનાં સરદાર બાગ,બસ સ્ટેશન,કાળવા ચોક, આઝાદ ચોક સહિતનાં પોઇન્ટ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યાં છે. બોડી કેમેરા ઉપરનાં ખિસ્સામાં રહે છે અને કેમેરામાં તમામ વસ્તુનું રેકોર્ડીંગ થાય છે. આ અંગે ટ્રાફિક પીએસઆઇ પી.જી.બોદરે જણાવ્યું હતું કે, શહેરમાં 19 ટ્રાફકી પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યાં છે. નોકરી પૂર્ણ થાય એટલે કેમેરા ઓફીસમાં જમા કરાવી દેવા અને નોકરી પર જાય ત્યારે કેમેરા સાથે લેતા જવાનાં હોય છે. દિવસ દરમિયાનનું રેકોર્ડીંગ ઓફીસનાં કમ્પ્યુટરમાં લઇ લેવામાં આવે છે. બોડી કેમેરાથી સ્થળ પરનું ઓડિયો અને વિડિયો રેકોર્ડીગ મળી રહે છે. લોકો સાથે પોલીસ જવાનનું અને પોલીસ સાથે લોકોનું કેવું વર્તન છે તે જાણી શકયા છે.લોકો દ્વારા મળતી ફરિયાદમાં સત્ય શું હતું તે જાણી શકાય છે. બોડી કેમેરામાં થયેલું રેકોર્ડીંગની તપાસ પણ નિયમીત પણે કરવામાં આવે છે.
- Advertisement -
લોકો હવે દલીલ કરતા નથી: પોલીસ કર્મી
ટ્રાફિક પોલીસનાં એ.એમ.સરવૈયાએ કહ્યું હતું કે, બોડી કેમેરાનાં ઘણા ફાયદા છે. ઘણી વખત વાહન ચાલક દલીલ કરતા હોય છે. હવે લોકો ઓછી દલીલ કરે છે. તેમજ બન્ને પક્ષે યોગ્ય વર્તન થાય છે. પોલીસ પણ પ્રજા સાથે યોગ્ય વર્તન ન કરે તો કેમેરામાં રેકોર્ડ થાય છે.
ટ્રાફિક પોલીસને બે પ્રકારનાં કેમેરા અપાયા
બે પ્રકારનાં બોડી કેમેરા છે. એક બોડી ટુ કેમેરા અને બોડી થ્રી કેમેરા. બોડી થ્રી કેમેરામાં જીપીએસ હોય છે. તેમાં લાઇવ જોઇ શકાય છે. તેમજ પોલીસ જવાન પોતાનાં પોઇન્ટ ઉપર જ છેકે નહી? તે પણ બોડી થ્રી કેમેરામાં જાણી શકાય છે. જૂનાગઢમાં ટ્રાફિક પોલીસ પાસે એક બોડી થ્રી કેમેરો છે. બાકીનાં 18 કેમેરા બોડી ટુ કેમેરા છે,તેમ પીએસઆઇ પી.જી. બોદરે જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા પણ કેમેરાનું ચેકિંગ કરે છે
ટ્રાફિક પોલીસ સહિત જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં પણ બોડી કેમેરા આપવામાં આવ્યાં છે. ત્યારે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી પણ બોડી કેમેરાનું સતત ચેકિંગ કરતા રહે છે. જેથી પોલીસનું કેવું વર્તન
છે તે પણ જાણી શકાય.