ખાસ-ખબર સંવાદદાતા
હવાલા ટ્રાન્ઝેક્શન, આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવા સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખવા સરકાર રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરશે, એમ કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે કહ્યું હતું.
- Advertisement -
વડા પ્રધાન નરેન્દ્રની આગેવાનીમાં સરકારે આતંકવાદના વિરોધમાં પહેલા જ દિવસથી ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે, એમ તેમણે કહ્યું હતું. બેંગલુરુ ખાતે નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રીડ (નેટગ્રીડ)નું ઉદ્ઘાટન કર્યા બાદ અમિત શાહે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.હવાલા ટ્રાન્ઝેક્શન, બનાવટી ચલણીનોટ, નાર્કોટિક્સ, બોમ્બની ધમકી, શસ્ત્રોની દાણચોરી, આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવા સહિતની અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખવા સરકાર જલદી જ એક રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરશે, એમ તેમણે કહ્યું હતું.
ગુપ્તચર શાખા સહિતની અન્ય સંબંધિત એજન્સીઓ તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકશે, એમ તેમણે કહ્યું હતું.
આને કારણે એજન્સીઓની હાલની કામ કરવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર થશે કેમ કે ‘નેટગ્રીડ’ ડેટાના વિવિધ સ્રોતોને જોડવાની જવાબદારી નિભાવશે, એમ તેમણે કહ્યું હતું. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્બાઈ, કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોશી, રાજ્યના ગૃહ ખાતાના પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્ર વગેરેએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.



