જો દેખતા હું વો હીં લીખને કા આદિ હું, મૈં અપને શહર કા સબસે બડા ફસાદી હું
જ્યાં કૂપ્રવૃત્તિ ચાલે છે એ બધાં જ અડ્ડાઓ અમારા ટાર્ગેટ પર છે : સવાલ ફકત સમયનો છે, કોઈનો વારો આજે આવશે, કોઈનો બે-ચાર-છ દિવસ પછી
રંગ છલકે
– કિન્નર આચાર્ય
- Advertisement -
કોઈ મહાપુરુષે કહ્યું છે કે, જ્યાં સુધી દુનિયા તમારા પ્રયત્નો પર હસવા ન માંડે ત્યાં સુધી માનવું કે, તમે સાચા માર્ગ પર નથી- સફળ નથી. ‘ખાસ-ખબર’એ જ્યારે દેશી દારૂનાં અડ્ડાઓ, જુગારનાં અડ્ડાઓનાં શ્રેણીબદ્ધ સ્ટિંગ ઓપરેશનનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે ઘણાં લોકો દાઢમાં હસતાં હતાં. ઘણાં લોકો એવું પણ કહેતાં હતાં કે, ‘આ બધું તો રૂટિન છે!’ દેશી દારૂ-જુગાર જેવી કૂપ્રવૃત્તિઓને ‘રૂટિન’ માની લેવી એ જ દર્શાવે છે કે, આપણી માનસિકતા રોગિષ્ટ છે. ‘ખાસ-ખબર’ શા માટે દેશી દારૂ અને જુગારની પાછળ મણ એક આદુ ખાઈને પડ્યું છે? કારણ બહુ સ્પષ્ટ છે: દેશી દારૂ પરિવારોને ખાસ કરીને ગરીબ પરિવારોને ખેદાનમેદાન કરી નાંખે છે, તેમનું ધનોતપનોત કાઢી નાંખે છે. આપણે જાણીએ છીએ કે દેશી દારૂનું સેવન શ્રમિકો, મજૂરો, કારીગરો જ વધુ કરે છે. ઑફ્ફકોર્સ તેમને જિંદગીની ઝંઝાળ અને પોતાની ફિક્કીફસ્સ લાઈફમાં થોડી થ્રિલ લાવવા ઝંખતા હોય છે. તેમને થોડાં કલાકો માટે પોતાની જિંદગીની જફાઓ ભૂલી જવી હોય છે અને આ પ્રયત્નોમાં એ પોતાની અને પરિવારની ઘોર ખોદી નાંખે છે. ગોડાઉન રોડ લીલા નામની મહિલા દેશી દારૂનો ધંધો વર્ષોથી કરે છે. તેનો દારૂ ઢીંચીને આસપાસનાં કમસેકમ પચાસેક યુવાનોએ જીવ ગુમાવ્યા છે. આ તો માત્ર એક ઉદાહરણ છે. આવા તો અગણિત દાખલાંઓ છે. અમારૂં ધ્યેય આ દૂષણને ડામવાનું છે.
અમે એક મિશન તરીકે આ વિષય હાથમાં લીધો છે. કોઈની શેહ-શરમ વગર, કોઈ જ જાતનાં ડર વીના. અમે સ્ટિંગ કર્યા, ઓડિયો-વિડીયો પુરાવા આપ્યા, કોઈપણ કોર્ટમાં ટકી શકે તેવા એવિડન્સ આપ્યા. છતાં સ્થાનિક પોલીસે જોઈએ તેવો રસ ન દાખવ્યો. પરંતુ અંતે ‘ખાસ-ખબર’ની મહેનત રંગ લાવી છે. સ્થાનિક પોલીસ કદાચ મુંગી-બહેરી હશે, સ્ટેટ મોનિટરિંગ સેલનાં નિર્લિપ્ત રાય પાસે ચાર-છ આંખો અને ઘણાંબધાં કાન છે. રાજ્ય સરકાર અને પ્રદેશ ભાજપ પણ વાત કાને ધરે છે. આજે હવે રાજકોટનાં અધિકારીઓને સમજાઈ રહ્યું છે કે, આ બધાં ગંભીર અહેવાલોને હળવાશથી લેવાની ભૂલ ભારે પડી શકે.
અમને અવગણના કબૂલ નથી. અમને બેશક ઈગ્નોર કરો, પણ સત્ય અને તથ્યને અવગણશો તો એ સાંખી નહીં લઈએ. પાપકર્મો પર કાર્યવાહી નહીં થાય તો અમે બમણાં જુસ્સાથી અમારૂં કર્મ કરીશું. રાજકોટનાં દરેક ખૂણા પર અમારૂં અદ્રશ્ય ડ્રોન નજર રાખી રહ્યું છે- એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. જ્યાં કૂપ્રવૃત્તિ ચાલે છે એ બધાં જ અડ્ડાઓ અમારા ટાર્ગેટ પર છે. સવાલ ફકત સમયનો છે. કોઈનો વારો આજે આવશે, કોઈનો બે-ચાર-છ દિવસ પછી.
અમારૂં પત્રકારત્વ અલગ છે. એ વધુ સારૂં છે કે ખરાબ છે, એ વાચકોએ નક્કી કરવાનું છે. અમે શ્રેષ્ઠતાનો દાવો કરતા નથી, અમે માત્ર અલગ હોવાનો દાવો કરીએ છીએ. અને અમે અલગ છીએ. અમે આક્રમક છીએ અને એવાં જ રહેવાનાં. અને આ આક્રમકતા જ અમારી મૂડી છે, અમે કમાયેલી શાખ પણ એ જ છે.
- Advertisement -
આજે થાકી-હારીને એક સામાન્ય નાગરિક અમારી ઑફિસનાં પગથિયાં ચડે છે ત્યારે તેમને પૂરેપૂરી શ્રદ્ધા હોય છે કે- અહીંથી ન્યાય મળશે જ. અમે એ શ્રદ્ધા સાચી ઠેરવવા પૂર્ણ પ્રતિબદ્ધતાથી અને પૂરેપૂરી પ્રામાણિકતાથી પ્રયત્નો કરીએ છીએ. આ મિજાજને કારણે અમે અનેક લોકો સામે શિંગડા ભેરવ્યા છે. દેશી દારૂ અને જુગાર વિરૂદ્ધની અમારી ઝુંબેશ પણ અમારા આગવા અભિગમનું એક અભિન્ન અંગ છે. જો એ ઝુંબેશ બંધ કરીએ તો અમારૂં એક અંગ કપાયું ગણાય, અને લૂલાં-લંગડા કહેવાઈએ.
સાંભળ્યું છે કે, ગઈકાલે રાજકોટ પોલીસનાં ઊચ્ચ અમલદારોએ દારૂ-જુગાર બંધ કરાવવા દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપી છે. કહેવાય છે કે, આવા ધંધાર્થીઓને બોલાવીને તેમની સર્વિસ- ઓઈલપાણી પણ કરવામાં આવ્યા છે. આ વાત સાચી હોય તો એ રાહતનાં સમાચાર ગણાય. પર્સનલી મને ક્રાઈમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ તરફથી પણ ખૂબ અપેક્ષાઓ છે. તેમની છાપ અને ટ્રેક રેકોર્ડ જોતાં ભવિષ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ રાજકોટ સુધી લાંબા ન થવું પડે તેવી આશા રાખવી અસ્થાને નથી. બીજી તરફ ઈન્ચાર્જ સી.પી. ખુર્શીદ અહેમદ પણ હવે અર્ધી પીચે આવીને બેટિંગ કરી રહ્યાં છે. શું રાજકોટ માટે અચ્છે દિન આવી રહ્યાં છે?


