રસનો આનંદ માણતા પહેલાં વિચારજો
અરવિંદ બ્રધર્સને ત્યાં 680 કિલોગ્રામ કલર કરેલી રાય મળી આવી
મુકેશ, રંગીલા, બાલાજી, શિવ સહિત રસનું વેચાણ કરતાં વેપારીઓને નોટીસ ફટકારતી મનપાની ટીમ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા સોરઠીયાવાડી મસાલા માર્કેટમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મસાલામાં ભેળસેળ કરતાં મસાલાના પાંચ જેટલા વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી હતી તો અમુકને લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં રસનું વેચાણ કરતાં શેરડીના રસના વેપારીઓને પણ લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ ટીમ દ્વારા આજરોજ સોરઠીયાવાડી મસાલા માર્કેટમાં ચકાસણી કરવામાં આવેલ. જેમાં મુરલીધર મસાલા માર્કેટ, 80 ફૂટ રોડ સોરઠીયાવાડી મસાલા માર્કેટમાં વેચાણ કરાતી રાયના નમૂનામાં કલર માલુમ પડતાં રાયની ખરીદી અંગે પૂછપરછ કરતાં તેઓએ અરવિંદ એન્ડ બ્રધર્સ, આજી ડેમ ચોકડી પાસે રાજકોટ પાસેથી ખરીદી કરવામાં આવેલી જે બાબતે સ્થળ તપાસ કરતાં અરવિંદ એન્ડ બ્રધર્સ પેઢીના માલીક અનિલભાઈ બચુભાઈ સોજીત્રાને પૂછપરછ કરતાં સ્થળ પર કલર પ્રોસેસીંગ માટેનું મશીન મળી આવ્યું તેમજ કલર કરેલ રાયનો જથ્થો અંદાજિત 680 કિ.ગ્રા. (રૂા. 46,240)ની કિંમતનો મળી આવતાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ રાય (લુઝ)નો નમૂનો લઈ સેમ્પલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી અને જથ્થાનું માર્કેટમાં વેચાણ ન થાય તે હેતુથી જથ્થો સીઝ કરવામાં
આવેલો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લક્ષ્મીવાડી, સોરઠીયાવાડી, બોલબાલા માર્ગ, સહકાર મેઈન રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, ભક્તિનગર સર્કલના વિસ્તારમાં આવેલ શેરડીના રસનું વેચાણ કરતાં ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ, જેમાં કુલ 7 બીઝનેશ ઓપરેટરને લાયસન્સ તથા સ્થળ પર હાઈજિનીક કંડીશન રાખવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તથા મુકેશ રસ ડેપો, રંગીલા રસ ડેપો, બાલાજી રસ ડેપો, શિવ રસ સેન્ટર, બાલાજી શેરડી ડેપો, મહાદેવ રસ, સમર્પણ રસને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.



