2 વર્ષથી ભવન બની ગયું ફર્નિચર, દીવાલનું કામ ચાલું કરાયું
પહેલા 3 કરોડનાં ખર્ચે ભવન બનાવ્યા બાદ ફરી 1 કરોડનાં ખર્ચે કામ
મનપાએ એક કામનાં બે-બે વખત ટેન્ડર કરવા પડ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મનપાનાં ટીંબાવાડી વિસ્તારમાં વિશાળ દવાખાનું બનાવવામાં આવ્યું છે. પરંતુ દવાખાનાનું કામ કાચબા ગતીએ ચાલી રહ્યું છે. બે વર્ષ પહેલા દવાખાનાનું ભવન બની ગયું હોવા છતા હજુ દવાખાનું કાર્યરત થયું નથી. હાલ ફર્નિચર અને દીવાલનું કામ ચાલી રહ્યું છે. પહેલા રૂપિયા 3 કરોડ કરતા વધુનાં ખર્ચે ભવન બનાવવામાં આવ્યું હતું. બાદ ફરી એક કરોડ કરતા વધુનાં ખર્ચે નવું ટેન્ડર બહાર પાડી કામ કરવામાં આવી રહ્યું છે. એક જ કામનાં બે ટેન્ડર બનતા કામમાં વિલંબ થઇ રહ્યો છે. જૂનાગઢ શહેરનો ખાસ કરીને ઝાંઝરડા અને મધુરમ તરફ વિકાસ થઇ રહ્યો છે. તેમજ બાયપાસ ઉપર ચોબારી ફાટક પાસનાં રોડનો પણ વિકાસ થઇ રહ્યો છે. જૂનાગઢનાં વધતા વિકાસને ધ્યાને લઇ લોક સુવિધાઓ વધારવામાં આવી રહી છે.
- Advertisement -
જૂનાગઢનાં ટીંબાવાડીથી લઇ વાડલા ફાટક સુધી રહેણાંક અને વેપાર શરૂ થયા છે. લોકોની આરોગ્યની સુવિધા માટે ટીંબાવડીમાં વિશાળ દવાખાનુ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ટીંબાવાડીમાં દવાખાનાનું નિર્માણ પણ શરૂ કરાયું છે. અહીં રૂપિયા 3 કરોડ કરતા વધુનાં ખર્ચે ભવન બનાવવામાં આવ્યું છે. ભવન બની ગયાનાં અંદાજે બે વર્ષ જેવો સમય વિતી ગયો છે. પરંતુ હજુ સુધી દવાખાનુ કાર્યરત થયું નથી. રૂમ બની ગયા પરંતુ ફર્નિચર સહિતની કામગીરી બાકી હતી. જેના કારણે દવાખાનુ શરૂ કરી શકાયું ન હતું. જોકે હાલ ભવન ફરતે દીવાલ બનાવવામાં આવી છે. તેમજ અંદરનાં ભાગે કામ ચાલી રહ્યું છે. હાલ રૂમમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. નવા કામ માટે રૂપિયા 1 કરોડ કરતા વધુનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ટુંકમાં એક જ કામનાં બે વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. જેના કારણે કામ મોડું થઇ રહ્યું છે. અંદાજે બે વર્ષ કરતા વધુ સમય થયા ભવન બની ગયું છે. છતા દવાખાનુ શરૂ થયુ નથી.અહીં બની રહેલા દવાખાનામાં 56 રૂમ છે. અહીં તમામ સારવાર મળે તેમ છે. પરંતુ દવાખાનુ વહેલી તકે શરૂ થાય તેવી માંગ ઉઠી છે.
એક જ ટેન્ડરમાં બન્ને કામનો સમાવેશ કર્યો હોત તો કામ વહેલું પૂર્ણ થઈ ગયું હોત
મનપા દ્વારા પહેલા ભવન બનાવવામાં આવ્યું અને પછી ફરી ફર્નિચર સહિતનાં કામગીરી માટે ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હતી. બીજી વખત કામગીરી કરતા સમય વિતી ગયો હતો. પહેલેથી જ એક ટેન્ડરની કામગીરી કરી હોત તો ભવનની સાથે ફર્નિચરનું કામ પણ થઇ ગયું હતું. ટેન્ડરની વચ્ચેની પ્રક્રિયા કરવી પડી ન હોત અને કામ વહેલુ પૂર્ણ થઇ ગયું હોત.
દીવાલનું કામ પૂર્ણ થઇ ગયું
દવાખાનાનું ભવન બન્યા બાદ ફરતે દીવાલ બાકી હતી. હાલ દીવાલનું કામ પૂર્ણ થઇ ગયું છે. દરવાજા મુકવાનાં બાકી છે. આ વહેલી તકે પૂર્ણ થઇ જશે.
- Advertisement -
મોટી વસ્તીને દવાખાનો લાભ મળશે
ટીંબાવાડીમાં દવાખાનુ બનતા મોટી વસ્તીને તેનો લાભ મળશે. ટીંબાવાડીથી લઇ વાડલા ફાટક સુધી વિસ્તારમાં રહેતા લોકો સિવિલ હોસ્પિટલમાં ધક્કો થશે નહી અને અહીં ટીંબાવાડી બની રહેલા દવાખાનામાં લાભ લઇ શકશે. એક મોટા વિસ્તારની મોટી વસ્તીને આ દવાખાનો લાભ મળશે. હાલ તો વહેલી તકે દવાખાનુ શરૂ થાય તેની લોકો રાહ જોઇ રહ્યાં છે.
ઑક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે
ટીંબાવાડીમાં બની રહેલા દવાખાનામાં ઓક્સિઝન પ્લાન્ટ પણ લાગી ગયો છે. પરંતુ દવાખાનું કાર્યરત ન હોવાનાં કારણે હાલ ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યો છે. અહીં બની રહેલા દવાખાનામાં ઓક્સિજન બેડ રહેશે. ઓક્સિજનની જરૂરવાળા દર્દીઓને પણ અહીં સારવાર મળશે.



