દેશમાં આવકવેરાના સૌથી મોટી દેવાદાર સરકારી નિગમ જ છે
છેક 2005 થી નિગમની ‘આવક’ મુદે ટેક્ષવિભાગ પ્રશ્ર્નો સર્જે છે: વિવિધ અદાલતોમાં કેસ ચાલે છે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જીવન વીમા નિગમ ધૂમધડાકા સાથે હવે આઈપીઓ જાહેર ભરણા સાથે આવી રહી છે અને દેશના આ સૌથી મોટા પબ્લીક ઈસ્યુનો રોમાંચ આ છે પણ જો નિગમ તેના 5% શેર વેચીને રૂા.60000 કરોડથી વધુની રકમ સરકારી ખજાનામાં આવશે તો વધુ એક સરકારી વિભાગ આ નાણા મેળવવા ટાંપીને જ બેઠુ છે. આવકવેરા વિભાગ જે આમ આદમીથી લઈને અમીરોને પણ છોડતું નથી તેણે ભારતીય જીવન વિમા નિગમ પાસે ટેક્ષની રૂા.75000 કરોડની ઉઘરાણી શરુ કરી છે. વાસ્તવમાં આ સરકારી વિમા કંપની અનેક અદાલતોમાં આવકવેરા સાથે વિવાદમાં પડી છે અને તેની પાસે કુલ રૂા.74894.5 કરોડની ટેક્ષ જવાબદારીનો પ્રશ્ન છે. એલઆઈસી સામે જે કુલ 63 કેસ ટેક્ષ વિભાગના ચાલે છે જેમાં 37 કેસ તો ડાયરેકટ ટેક્ષ એટલે કે આવકવેરા વિભાગના છે અને તેમાં રૂા.72762.3 કરોડની ઉઘરાણી કરવામાં આવે છે જયારે બાકી 26 કેસ રૂા.2132 કરોડના છે.
એલઆઈસીએ તેના જાહેર ભરણા માટે સેબી સામે દરખાસ્ત મુકી છે તેમાં આ આંકડા અને માહિતી અપાઈ છે. આવકવેરા વિભાગ કોઈ એક આસામી પાસે આવડી મોટી રકમની ઉઘરાણી કરતું હોય તો તે એલઆઈસી છે. જેમાં આવકવેરા ખાતાની દલીલ છે કે નિગમ છેક 2005 થી તેની આવક અંગે ખોટા આંકડા આપ્યા છે અથવા આવક
છુપાવી છે.


