નથુરામ ગોડસેની જન્મજયંતી નિમિત્તે હિન્દુસેના દ્વારા જામનગરમાં દરબારગઢ નજીકના વિસ્તારમાં એક ખાનગી જગ્યામાં નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમા લગાવવા બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ પ્રતિમા બીજા દિવસે જ તોડી પાડવામાં આવી હતી. હવે સમગ્ર મામલે રાજકીય ક્ષેત્રે પણ ઘેરા પ્રત્યાઘાત પડવાના શરૂ થઈ ગયા છે અને ગાંધી વર્સીસ ગોડસેના નામે શાબ્દિક લડાઈ પણ શરૂ થઈ ચૂકી છે. જોકે ભાજપ નેતાએ કહી આપ્યું છે કે, આ મામલે સરકાર સામેલ નથી પણ કોંગ્રેસ નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપવા પાછળ ભાજપનો હાથ હોવાનો જ આક્ષેપ કરી રહી છે અને આમ, ગાંધી-ગોડસેના નામે આરોપ-પ્રત્યારોપની ગંદી રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે.
નોંધનીય બાબત છે કે, હિન્દુસેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપી તેમાં કોઈ હિંસા થઈ નહતી પરંતુ હા, નથુરામ ગોડસેની પ્રતિમા તોડી કોંગ્રેસે ગાંધીજીની અહિંસક વિચારધારાની હત્યા કરી છે. કોંગ્રેસ ફક્ત ગાંધીજીના નામે ચરી ખાય છે, ગાંધીજીના વૈચારિક પથ પર ચાલતું ન હોય એવું લાગી રહ્યું છે. જો ખરેખર કોંગ્રેસ પક્ષ ગાંધી વિચારને અનુસરતો તો તે નથુરામ ગોડસેની પ્રતિમાને તોડવાની બદલે નથુરામ ગોડસેની પ્રતિમા વિરુદ્ધ અહિંસક રીતે માત્ર દેખાવ-પ્રદર્શન કરતો પરંતુ હિન્દુસેનાએ દરબારગઢ પાછળના મંદિર પરિસરમાં સ્થાપિત નથુરામ ગોડસેની પ્રતિમા તોડી ગાંધીજીની અહિંસક વિચારધારાનું કત્લ કર્યું છે. લાગે છે કે, હિન્દુસેનાની જેમ જ કોંગ્રેસમાં કોઈ ફર્ક નથી અલબત્ત કોંગ્રેસ હીન કક્ષાના કૃત્ય કરતા અગાઉ કશું વિચારતી નથી.
- Advertisement -
હિન્દુસેના દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમાનું અનાવરણ કરાયા પછી અને કોંગ્રેસ દ્વારા એ પ્રતિમા તોડી પડાયા બાદ કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરીને ગોડસેની પ્રતિમા બનાવનાર, લગાવનાર અને સાથે રહેનાર લોકો વિરુદ્ધ દેશદ્રોહનો ગુન્હો નોંધવાની માંગણી કરવામાં આવી હતી તો બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સરકાર આ વિચારધારાને સમર્થન નથી કરતી. આ મામલે સંવેદનશીલ છે, યોગ્ય કાર્યવાહી માટે આદેશ આપવામા આવ્યા છે. જામનગરમાં પણ હિન્દુ સેના અને કોંગ્રેસ વચ્ચે સામસામી ફરિયાદ થઈ હોવાના સમાચાર છે ત્યારે જરા વિચાર કરો ગાંધી અને ગોડસેની વિચારધારાને સમર્થન કરનારાઓ કે, શું કોંગ્રેસના વર્તનમાં મહાત્મા ગાંધીના વિચારો પ્રદર્શિત થાય છે કે નથુરામ ગોડસેનો વ્યવહાર જોવા મળે છે?



