મુખ્ય ઇન્ડેક્સ CSI 300માં સળંગ ઘટાડાથી 3.5 લાખ કરોડ ડોલરનું ધોવાણ; સ્થાનિક માંગની નબળાઈ અને એઆઈ પાછળના ખર્ચથી રોકાણકારો ચિંતિત
સરકારી રાહત પેકેજ પણ બજારને સંભાળવામાં નિષ્ફળ; ચીનની આર્થિક સ્થિતિ નબળી પડતા વિદેશી રોકાણકારોનું ભારત તરફ વલણ વધવાની શક્યતા
- Advertisement -
ચીનના શેરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદીએ ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ચીનના શેરબજારનો મુખ્ય ઇન્ડેક્સ “સીએસઆઈ 300′ (CSI 300) સળંગ ૧૨મા અઠવાડિયે ઘટાડા સાથે બંધ રહેતા સત્તાવાર રીતે મંદીમાં સરી પડયો છે. ચીનના શેરબજારના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે. જ્યાં ઇન્ડેક્સ ૨૦૦૫માં શરૂ થયા પછીના સૌથી લાંબા સાપ્તાહિક ઘટાડાના તબક્કામાં પહોંચ્યો છે. મે મહિનામાં બજાર તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ સતત ચાલતી ભારે વેચવાલીના લીધે રોકાણકારોના આશરે ૩.૫ લાખ કરોડ ડોલર એટલે કે અંદાજે ૩૨૯ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના મતે, આ સતત ઘટાડા પાછળ માત્ર કિંમતોની નબળાઈ જ નહીં પરંતુ ચીનની સ્થાનિક માંગ, કંપનીઓના ઘટતા નફા, પ્રોપર્ટી બજારની ખરાબ સ્થિતિ અને ટેક કંપનીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ કરવામાં આવેલા મોટા ખર્ચ પ્રત્યેની અનિશ્ચિતતા મુખ્ય કારણો છે. શાંઘાઈ અને શેનઝેન એક્સચેન્જની 300 મોટી કંપનીઓનો આ બેન્ચમાર્ક ઇન્ડેક્સ તેની ટોચ પરથી ૨૦ ટકા જેટલો ગગડી ચૂક્યો છે. નિયમ મુજબ જો બજાર સળંગ ઘટીને ૨૦ ટકા સુધી તૂટે તો તેને સત્તાવાર રીતે મંદીમાં પ્રવેશ ગણવામાં આવે છે. ચીનનું ઉત્પાદન અને નિકાસ મજબૂત હોવા છતાં દેશની અંદર મોંઘવારીના ભારે મારને કારણે લોકોએ ખર્ચમાં કાપ મૂક્યો છે, જેનાથી કંપનીઓ માટે વેચાણ અને નફો વધારવો મુશ્કેલ બન્યો છે. ચીનના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો પણ અપેક્ષા કરતા નબળા આવ્યા છે અને કંપનીઓનો નફો બજારના અંદાજ કરતાં ૯ ટકા ઓછો રહ્યો છે. ખાસ કરીને ટેકનોલોજી અને એઆઈ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે કારણ કે રોકાણકારોને શંકા છે કે એઆઈ પાછળનો અધધ ખર્ચ ભવિષ્યમાં પૂરતી કમાણી આપી શકશે કે નહીં. સરકાર દ્વારા બજારને ટેકો આપવા માટે કેટલાક રાહતના પગલાં લેવામાં આવ્યા હોવા છતાં તે રોકાણકારોનો ભરોસો જીતવામાં નિષ્ફળ રહ્યા છે. ચીનના શેરબજારની આ અનિશ્ચિત અને નબળી સ્થિતિ વચ્ચે વૈશ્વિક અને વિદેશી રોકાણકારો ભારતીય બજાર તરફ આકર્ષાઈ શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.




