દરિયા વચ્ચે નાની હોડીમાં આવીને જહાજ પર માઇન્સ ચોંટાડયાઃ હોર્મુઝમાં હુમલાની નવી રીત, એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી
હોર્મુઝમાં ગુરુવારે ૨૭ ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા તેલ ટેન્કર ખઝ લુઈસ ૧ પર હુમલો થયો. પનામાનો ધ્વજ ધરાવતા આ ટેન્કરની નજીક એક નાની હોડી આવી હતી. હોડીમાંથી આવેલા લોકોએ જહાજના બાહ્ય ભાગ (હુલ) પર બે લિમ્પેટ માઇન્સ ચોંટાડી અને ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વાર પછી બંને વિસ્ફોટકોમાં વિસ્ફોટ થયો, જેના કારણે જહાજના એન્જિન રૂમમાં આગ લાગી. વિસ્ફોટના કારણે જહાજનું એન્જિન થોડા સમય માટે બંધ થઈ ગયું. જોકે, ક્રૂએ આગ પર કાબૂ મેળવી લીધો અને જહાજને સુરક્ષિત કરી લીધું. જોકે, હુમલા પાછળ કોનો હાથ છે તેની પુષ્ટિ થઈ નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે જહાજ પર સવાર તમામ ૨૭ ભારતીય નાવિકો સુરક્ષિત છે. કોઈને ઈજા થઈ નથી. રોયટર્સ મુજબ, ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ હોર્મુઝમાં પહેલીવાર લિમ્પેટ માઈન્સથી હુમલો થયો છે. બ્રિટિશ મેરિટાઈમ એજન્સી UKMTO મુજબ, જહાજ પરનો હુમલો ઓમાનના ખાસાબ શહેરથી આશરે ૪૬ કિલોમીટર દૂર થયો હતો. ઈન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) મુજબ, ૨૮ ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયા બાદથી ૨૭ ઓક્ટોબર સુધી હોર્મુઝ અને તેની આસપાસ ૧૨૦ દરિયાઈ ઘટનાઓ બની છે. તેમાં વેપારી જહાજો પરના હુમલાઓનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
7 દિવસમાં હોર્મુઝ ખુલશે! : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની શક્યતાઃ ઈરાન યુરેનિયમનો સ્ટોક વિદેશ મોકલવા તૈયાર
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે એક પ્રારંભિક રાજદ્વારી મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રારંભિક સમજુતી મુજબ, ઈરાન તેના અત્યંત સંવર્ધિત યુરેનિયમના જથ્થાને કોઈ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરશે અથવા તો તેનું સંવર્ધન સ્તર ઘટાડવા માટે તૈયાર થયું છે. આ ઉપરાંત, આ પ્રારંભિક કરાર અમલમાં આવ્યાના માત્ર સાત દિવસની અંદર જ આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ફરીથી ખોલી દેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ અનુસાર, કરારને સંપૂર્ણ રીતે અમલી બનાવવા અને તેની કાયમી જાળવણી માટે ચીનને એક સંભવિત ગેરંટી આપનાર દેશ તરીકે સામેલ કરવામાં આવી શકે છે. સાથે જ અમેરિકા અને ઈરાન વચ્ચેની સીધી વાટાઘાટો ઈસ્તંબુલના બદલે કતારની રાજધાની દોહા ખાતે યોજવાનો પ્રસ્તાવ છે. આ વ્યવસ્થા હેઠળ, ઈરાન તેના પરમાણુ પ્રોગ્રામ અને દરિયાઈ સુરક્ષા પર કડક નિયંત્રણો મૂકશે, જેના બદલામાં અમેરિકા ઈરાન પર લાદેલા આર્થિક પ્રતિબંધો અને દરિયાઈ નાકાબંધીમાં રાહત આપશે. બીજી તરફ, મધ્યસ્થતાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કતારનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યું છે. રિપોર્ટ મુજબ, કતારી દૂતો દ્વારા અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સનો એક ખાસ પત્ર ઈરાની સુરક્ષા અધિકારી મોહસેન રેઝાઈને સોંપવામાં આવ્યો હતો. ઈરાન તરફથી આ રાજદ્વારી પહેલનું સ્વાગત કરવામાં આવ્યું છે, કારણ કે તેનાથી અમેરિકી લશ્કરી હુમલાઓ અટકાવવાનો એક નવો રસ્તો ખુલી શકે છે. આ સિવાય તુર્કી પણ બંને દેશો વચ્ચે મધ્યસ્થતા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. આ તમામ રાજદ્વારી હિલચાલ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વોશિંગ્ટનને આ સંઘર્ષ સમાપ્ત કરવાની કોઈ ઉતાવળ નથી.



