કિલોએ રૂ. 100નો ભાવવધારો ફાફડા રૂ. 600 અને જલેબી રૂ. 700ના કિલોના ભાવે વેચાઈ
રંગીલા રાજકોટમાં દશેરાના પર્વની ઉજવણી સાથે ફાફડા અને જલેબીની પરંપરાગત મીઠાશ પણ છવાઈ ગઈ છે. દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવાની વર્ષો જૂની પરંપરા આજે પણ રાજકોટવાસીઓમાં એટલી જ લોકપ્રિય છે. વહેલી સવારથી જ શહેરની મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ફાફડા, જલેબી અને ગાંઠિયા ખરીદવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. તહેવારની ખુશી અને પરંપરાગત સ્વાદ માણવા માટે લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરતા નજરે પડ્યા હતા. દશેરાના પર્વે રાજકોટમાં ફાફડા-જલેબીનું વેચાણ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધે છે. પરિવાર સાથે તહેવારની ઉજવણીમાં ફાફડા-જલેબીનો નાસ્તો ખાસ સ્થાન ધરાવે છે. પરિણામે, શહેરની વિવિધ દુકાનોમાં સવારથી જ ખરીદીનો માહોલ જામ્યો હતો. લોકો પોતાની જરૂરિયાત મુજબ ફાફડા, જલેબી અને ગાંઠિયાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ વર્ષે ફાફડા અને જલેબી ખાવાનો શોખ થોડો મોંઘો બન્યો છે. ગત વર્ષની સરખામણીએ ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલોએ અંદાજે રૂ. 100નો વધારો નોંધાયો છે. હાલ ફાફડા પ્રતિ કિલો રૂ. 600 અને જલેબી પ્રતિ કિલો રૂ. 700ના ભાવે વેચાઈ રહી છે. ભાવવધારાને કારણે ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધ્યો હોવા છતાં તહેવારની પરંપરા અને સ્વાદનો આનંદ માણવા લોકો ખરીદી કરી રહ્યા છે.
- Advertisement -
દશેરાએ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગશે રાજકોટવાસીઓ!
રાજકોટવાસીઓ તહેવારોની ઉજવણીમાં ખાણીપીણીને વિશેષ મહત્ત્વ આપે છે. દશેરાના દિવસે શહેરમાં મોટા પ્રમાણમાં ફાફડા, જલેબી અને ગાંઠિયાનું વેચાણ થતું હોય છે. તહેવારના આ ખાસ દિવસે રાજકોટવાસીઓ લાખો જ નહીં, પરંતુ કરોડો રૂપિયાના ફરસાણ અને મીઠાઈ આરોગતા હોવાનો અંદાજ ગ્રાહકો અને વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. દુકાનો પર વહેલી સવારથી જોવા મળેલી ભીડ તહેવાર પ્રત્યેના લોકોના ઉત્સાહની સાક્ષી બની હતી. આમ, ભાવવધારાની અસર વચ્ચે પણ રાજકોટમાં દશેરાની પરંપરા અને ફાફડા-જલેબીનો સ્વાદ અકબંધ રહ્યો છે. તહેવારની ખુશી, પરિવાર સાથેનો સમય અને મનપસંદ વાનગીઓની મોજ સાથે રંગીલા રાજકોટમાં દશેરાની ઉજવણીનો માહોલ જામ્યો છે.




