મે માસથી શરૂ થયેલો પ્રકોપ આઠમા પ્રાંત સુધી પ્રસર્યોઃ કેસનો આંક 9,415 પર પહોંચ્યો
બુંદીબુગ્યો વેરિઅન્ટ સામે ચોક્કસ રસી કે દવા નથીઃ કેન્યા અને મધ્ય આફ્રિકા સરહદે ચેપનો ખતરો
- Advertisement -
મધ્ય આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઇબોલા ઓફ કોંગોમાં જીવલેણ વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશના રાષ્ટ્રીય જૈવચિકિત્સા સંશોધન સંસ્થાના તાજેતરના અહેવાલ મુજબ, આ ઘાતક મહામારી હવે આઠમા પ્રાંત ઉત્તર ઉબાંગી સુધી પહોંચી ગઈ છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં ઇબોલાના કુલ ૯,૪૧૫ કેસ નોંધાયા છે, જ્યારે આ જીવલેણ ચેપના કારણે ૪,૫૩૬ લોકો મોતને ભેટ્યા છે. બીજી તરફ પડોશી દેશ કેન્યામાં પણ ઇબોલાનો આઠમો દર્દી સામે આવતાં આફ્રિકન દેશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કોંગોમાં ગત મે મહિનાથી ફાટી નીકળેલી આ મહામારી દેશના ઇતિહાસની સૌથી ગંભીર અને જીવલેણ આફત સાબિત થઈ છે. ઉત્તર ઉબાંગી પ્રાંત સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની સરહદને અડીને આવેલો હોવાથી સરહદ પાર વાયરસ ફેલાવાની ગંભીર ચિંતા ઊભી થઈ છે. માત્ર છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ ૬૭ નવા પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા હતા અને ૨૬ દર્દીઓએ દમ તોડ્યો હતો. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત ઇતુરી પ્રાંતમાંથી ૪૪ નવા કેસ સામે આવ્યા છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વખતે મહામારી ઇબોલાના ‘બુંદીબુગ્યો’ પ્રકારના વાયરસથી ફેલાઈ રહી છે, જેના માટે હાલ કોઈ માન્ય વિશિષ્ટ રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા પ્રમાણે, અમુક વિસ્તારોમાં કેસ ઘટ્યા હોવા છતાં ભૌગોલિક રીતે વાયરસ સતત નવા પ્રદેશોમાં પ્રસરી રહ્યો છે. કોંગોમાં ચાલતો આંતરિક સશસ્ત્ર સંઘર્ષ, વ્યાપક સ્થળાંતર અને આરોગ્ય સુવિધાઓના અભાવને કારણે મહામારી પર નિયંત્રણ મેળવવામાં આરોગ્ય તંત્રને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.




