યુદ્ધ-ટેરિફની અસરઃ 70% અમેરિકનો નારાજ, વ્હાઇટ હાઉસ પરથી સત્તા સરકતાં જ રિપબ્લિકન નેતાઓએ છેડો ફાડ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીમાં બળવાના સંકેતો દેખાવા લાગ્યા છે. ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી છે. પાર્ટીના નેતાઓને ડર છે કે મધ્યાવધિ ચૂંટણીમાં ટ્રમ્પનો સાથ આપવાથી તેમને નુકસાન થઈ શકે છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલાં ઘણા રિપબ્લિકન ઉમેદવારો ટ્રમ્પથી અંતર જાળવી રહ્યા છે. કેટલાકે પોતાની ચૂંટણીલક્ષી વેબસાઇટ પરથી ટ્રમ્પ અને તેમના ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડાનો ઉલ્લેખ હટાવી દીધો છે. કેટલાક નેતાઓ તેમની સાથે મંચ વહેંચવાનું પણ ટાળી રહ્યા છે. એપી-નોર્ક સર્વે મુજબ, માત્ર ૩૦% અમેરિકનો ટ્રમ્પના કામકાજથી ખુશ છે. અર્થતંત્રના મામલે તેમની મંજૂરી રેટિંગ ૨૬% છે. મોંઘવારીનો સામનો કરવાના મામલે આ આંકડો માત્ર ૧૭% છે. ૬૫%થી વધુ અમેરિકનો વધતી કિંમતો માટે ટ્રમ્પની નીતિઓને જવાબદાર માને છે. આયોવાના સાંસદ અને સેનેટ ઉમેદવાર એશ્લે હિન્સન તથા મિશિગનના સેનેટ ઉમેદવાર માઈક રોજર્સે ઈરાન યુદ્ધ ઝડપથી સમાપ્ત કરવાની માગ કરી છે. બંને અગાઉ ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીનું સમર્થન કરતા હતા. આયવાના સાંસદ જેક નન અને મેરિયાનેત મિલર-મીક્સે ટ્રમ્પની યુદ્ધસંબંધિત સત્તાઓ મર્યાદિત કરવા માટે ડેમોક્રેટ્સ સાથે મતદાન કર્યું. ફ્લોરિડાના સાંસદ મારિયાએ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ઘણા ઉમેદવારોએ કહ્યું છે કે તેઓ ટ્રમ્પનો પ્રચાર કરવા માંગતા નથી.
- Advertisement -
ટ્રમ્પથી અંતર રાખનારા જૂથમાં મોટા નામઃ ગવર્નરથી સાંસદો સુધી વિરોધ : અર્થવ્યવસ્થા સૌથી મોટી નબળાઈ, ટ્રમ્પને 26% સમર્થન
રિપબ્લિકન ઉમેદવારોની બેચેની પાછળનું સૌથી મોટું કારણ અર્થતંત્ર છે. ૨૪થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન થયેલા AP-NORC સરવેમાં માત્ર ૧૭% અમેરિકનોએ કહ્યું કે તેઓ ટ્રમ્પ જીવનનિર્વાહના ખર્ચને જે રીતે સંભાળી રહ્યા છે. તેનાથી સંતુષ્ટ છે. અર્થતંત્ર અંગે તેમની મંજૂરી રેટિંગ માત્ર ૨૬% રહી, જ્યારે એકંદર કામગીરીથી ૧૦માંથી માત્ર ૩ અમેરિકનો જ સંતુષ્ટ છે. ૬૫%થી વધુ અમેરિકનો સતત ઊંચા ભાવો માટે સીધી રીતે ટ્રમ્પની નીતિઓને જવાબદાર માની રહ્યા છે. ૬૪% લોકોનું કહેવું છે કે ટેરિફના મામલે ટ્રમ્પ જરૂર કરતાં વધુ આગળ વધી ગયા છે. બીજી તરફ, રિપબ્લિકન ઉમેદવારો માટે મુશ્કેલી એ છે કે તેઓ મોંઘવારી વિરુદ્ધ પ્રચાર કરવા માંગે છે, પરંતુ વ્હાઇટ હાઉસમાં પોતાની જ પાર્ટીના રાષ્ટ્રપતિની આર્થિક નીતિઓથી પોતાને સંપૂર્ણપણે અલગ પણ કરી શકતા નથી. ટ્રમ્પથી અંતર રાખનારાઓની યાદીમાં ગવર્નર પદ માટે ચૂંટણી લડી રહેલા વિસ્કોન્સિનના ટોમ ટિફની, એરિઝોનાના એલી ક્રેન અને જ્યોર્જિયાના રિક જેક્સન જેવા નામો સામેલ છે. સાંસદો સાથે જોડાયેલા ચહેરાઓમાં જ્યોર્જિયાની માર્જરી ટેલર, કેન્ટકીના જેમ્સ કોમર, ઓહાયોના જિમ જોર્ડન અને સાઉથ કેરોલિનાની નેન્સી | મેસ સામેલ છે. તેઓ લાંબા સમયથી ટ્રમ્પના સમર્થક રહ્યા છે.




