14 પડતર માંગનો હકારાત્મક નિકાલ નહીં આવે તો 7મીથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓનો સમયસર અને હકારાત્મક નિકાલ ન થતાં હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. મહામંડળના આદેશ અને સૂચના મુજબ આજે સમગ્ર ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓ એક દિવસીય ‘માસ CL’ (Mass Casual Leave) પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. મહેસૂલી કર્મચારી મહામંડળની કુલ 14 જેટલી અલગ-અલગ પડતર માંગણીઓ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનો સંતોષકારક ઉકેલ ન આવતાં રાજ્યવ્યાપી આ કાર્યક્રમ યોજાયો હોવાનું જણાવાયું છે. કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ તેમની માંગણીઓનો યોગ્ય રીતે વિચાર કરી વહેલી તકે નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી રહી છે.
- Advertisement -
રાજકોટ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના તેજસ પંચાસરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ રાજકોટ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પણ આજના માસ CL કાર્યક્રમમાં જોડાયા છે. આ કાર્યક્રમ દ્વારા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ તરફ સરકારનું ધ્યાન દોર્યું છે. મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, જો સરકાર દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓનો યોગ્ય અને હકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી 7મી તારીખથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં સરકાર અને મહેસૂલી કર્મચારી મંડળ વચ્ચેની વાતચીત તથા નિર્ણય પર સમગ્ર આંદોલનની દિશા નિર્ભર રહેશે. રાજકોટ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે પણ સ્પષ્ટતા કરી છે કે રાજ્ય મહામંડળ તરફથી આગામી દિવસોમાં જે પણ સૂચના આપવામાં આવશે, તે મુજબ રાજકોટ જિલ્લાના કર્મચારીઓ પણ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે.




