શ્રમિકની બિભત્સ હરકતની ફરિયાદ બાદ કાર્યવાહી ન થતાં હજારો યુવક-યુવતીઓ હાથમાં પ્લેકાર્ડ સાથે યુનિવર્સિટી પહોંચ્યા
અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટી છેલ્લા એક અઠવાડિયાથી સતત વિવાદમાં આવી રહી છે. નિરમા યુનિવર્સિટી કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલની સામે બનતા ગર્લ્સ હોસ્ટેલના નવા બિલ્ડીંગમાં એક શ્રમિકના બીભત્સ હરકતોનો વીડિયો વાઇરલ થયા બાદ કોલેજ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવાને બદલે ગર્લ્સ હોસ્ટેલ પર લીલા કલરની નેટ લગાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સામે વિરોધ ન કરી શકતા સોશિયલ મીડિયા પર કેમ્પિયન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે આજે ૧ ઓક્ટોબરે કાળા કપડાં પહેરીને ઘટનાની નિંદા કરવા વિદ્યાર્થીઓ કેમ્પસમાં પહોંચ્યા છે. અને પ્લેકાર્ડ સાથે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ વિરોધ કરીને બ્લેક ડે ઉજવી રહ્યા છે.
નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના H-4 બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓ સામે નવા બની રહેલા ગર્લ્સ હોસ્ટેલના જ H 5 બ્લોકમાં કામ કરી રહેલા શ્રમિકે બિભત્સ હરકતો કરી હતી, જે અંગેનો વીડિયો લઈને વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી. જેમાં કોઈ ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓને તેમના કપડા વિશે કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ગર્લ્સ હોસ્ટેલ પર લીલા કલરની નેટ લગાવવામાં આવી છે. યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી ફરિયાદ કરે તો તેના જ સામે કડક પગલા લેવાય તે ડરથી ખુલીને કોઈ વિદ્યાર્થીઓ સામે આવી રહ્યા નથી. પરંતુ હવે નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા કેમ્પિયન તરફ વળ્યા છે અને ઈન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને લોકોને જોડાવા અપીલ કરી છે.



