બાળકોના સ્વાસ્થ્ય માટે વેપારીઓ અને ગ્રામજનો એક મંચ પર
બાદરગઢ ગામે નિયમ તોડનાર દુકાનદારોનાં પાણી અને વીજ કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી
- Advertisement -
ગુજરાતનાં ગામડાંથી લઈને મહાનગરો સુધીની દુકાનોની બહાર લટકતાં રૂ. 5 અને રૂ. 10નાં રંગબેરંગી નાસ્તાનાં પડીકાં બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. બાળકોની જીદ સામે વાલીઓ પણ ઘણીવાર આવા પડીકાં ખરીદીને આપે છે. જોકે, આ પ્રકારના નાસ્તાના વધુ પડતા સેવનથી બાળકોની ખાવાની આદતો અને આરોગ્ય પર થતી સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને હવે ગુજરાતનાં અનેક ગામડાંમાં જાગૃતિની નવી મશાલ પ્રગટી છે. બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને બનાસકાંઠાના બાદરગઢ અને રણાવાડા, મહેસાણાના ચાણસોલ અને ડાવોલ ગામે તૈયાર નાસ્તાનાં પડીકાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો સામૂહિક નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, મહેસાણાના ચાણસોલમાં પાણીપુરી, દાબેલી, પકોડી અને વડાપાઉં સહિતના ફાસ્ટફૂડના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ નિયમનો ભંગ કરનારા વેપારીઓ માટે રૂ. 1,000થી રૂ. 10,000 સુધીના દંડની જોગવાઈ કરી છે. જ્યારે બાદરગઢમાં વારંવાર નિયમ તોડનાર દુકાનદારોનાં પાણી અને વીજ કનેક્શન કાપવા સુધીની કાર્યવાહીનો ઠરાવ કરવામાં આવ્યો છે. ગ્રામજનોની આ પહેલ બાળકોના આરોગ્ય પ્રત્યેની સામૂહિક જવાબદારીનું ઉદાહરણ બની રહી છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનાં ચાણસોલ અને ડાવોલ ગામમાં પણ બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તૈયાર નાસ્તાનાં પડીકાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાણસોલ ગામે તો આ પહેલને વધુ વ્યાપક બનાવતાં પાણીપુરી સહિતનાં ફાસ્ટફૂડના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ચાણસોલ ગામના સરપંચ જીવણભાઈના જણાવ્યા અનુસાર, આશરે 5,000ની વસ્તી ધરાવતા ગામમાં બાળકો નાસ્તાનાં પડીકાં અને ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન કરતાં હોવાથી તેમની નિયમિત ભોજનની આદતો પર અસર થતી હતી. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટે યોજાયેલી ગ્રામસભામાં ગામમાં પડીકાં અને ફાસ્ટફૂડનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં તમામ વેપારીઓએ ગામમાં નાસ્તાનાં પડીકાં અને ફાસ્ટફૂડનું વેચાણ નહીં કરવાની ખાતરી આપી હતી. નિર્ણયના અમલ માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કોઈ વેપારી પ્રથમ વખત પ્રતિબંધિત પડીકાં, દાબેલી, પકોડી, વડાપાઉં જેવા ફાસ્ટફૂડ અથવા દારૂના વેચાણ સાથે પકડાશે તો રૂ. 5,000નો દંડ કરવામાં આવશે. બીજી વખત નિયમનો ભંગ કરતાં ઝડપાશે તો રૂ. 10,000નો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.
પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામજનોએ બાળકોના સ્વાસ્થ્ય અને ગામમાં સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે અનોખી પહેલ કરી છે. ગામની દુકાનોમાં નમકીનના પડીકા, પ્લાસ્ટિકના જબલા અને પ્લાસ્ટિકના કપના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ગ્રામસભામાં કરવામાં આવ્યો છે. આ અંગે ગ્રામસભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો છે. ગામસભામાં લીધેલ નિર્યણ મુજબ હવે ગામની કોઈપણ દુકાનમાં બહારથી નમકીનના પડીકા લાવીને વેચાણ કરી શકાશે નહીં. દુકાનદાર દ્વારા નિયમનો ભંગ કરવામાં આવશે તો પ્રથમ વખત રૂ.1 હજારનો દંડ વસૂલવામાં આવશે. ત્યારબાદ પણ દુકાનદાર નિયમનો ભંગ કરતો ઝડપાશે તો તેનું પાણીનું કનેક્શન કાપી નાખવા કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વારંવાર નિયમનો ભંગ કરનાર દુકાનદારના વીજ કનેક્શન અંગે પણ GEBમાં અરજી કરી કનેક્શન કાપવાની કાર્યવાહી કરવા અંગે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે.
- Advertisement -
બનાસકાંઠાના રણાવાડામાં પડીકા વેચે તો રૂ.5000 ગૌશાળામાં આપવાનો નિર્ણય
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના રણાવાડા ગામે પડીકા બાળકોને નુકસાન કરતા બંધ કરવાનો નિર્ણય હતો તે દુકાનદારો એ પાલન કરી બંધ કરવામાં આવ્યા અને મમરા વેફર કેવડો જેવી ચાલુ રાખી સંમતિ થી તેવું જાણવા મળ્યું છે. જો કોઈ મમરા કે વેફર સિવાયની વસ્તુ વેચે તો 5000 ગૌશાળામાં આપવાનો ઠરાવ કર્યો છે.




