બંનેને સરકારી સાક્ષી બનાવાયા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં દાન ચોરીના મામલામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં ચોરીની ઘટનાથી લઈને પોલીસ કાર્યવાહી સુધીના અનેક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં ૮ લોકોને આરોપી બનાવ્યા છે, જ્યારે કેટલાક મુખ્ય અધિકારીઓને ક્લીન ચિટ આપવામાં આવી છે. પોલીસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પૂર્વ મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આ કેસમાં ક્લીન ચિટ આપી દીધી છે. પોલીસ દ્વારા આ ત્રણેય પદાધિકારીઓને આ મામલામાં આરોપી બનાવવાના બદલે મહત્ત્વના સાક્ષી બનાવવામાં આવ્યા છે. પોલીસની ચાર્જશીટ મુજબ, ૩ જૂને સૌથી પહેલાં અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, અનુકલ્પ મિશ્રા અને લવ કુશ મિશ્રાને ચોરી કરતા પકડવામાં આવ્યા હતા. તે દિવસે દાન ગણનાર કર્મચારી મદન ગોપાલ નિગમે આ લોકોને નોટોના બંડલ છુપાવતા જોયા હતા. ત્યારબાદ ૪ જૂને પણ ચોરીની અન્ય ઘટના સામે આવી હતી, જ્યાં અવિનાશ શુક્લાને સંત પ્રસાદ વર્મા નામના કર્મચારીએ ચોરી કરતા પકડ્યો હતો. ચેકિંગ દરમિયાન ચોરી કરાયેલા ૨,૨૫,૦૦૦ રૂપિયા બાથરૂમમાંથી મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં આરોપીઓનો કારનામો સામે આવ્યો છે. અવિનાશ શુક્લા ૮૫ વાર ચોરી કરતો અને ૪ વાર મદદ કરતો નજરે પડયો છે. જ્યારે મનીષ યાદવ નામના કર્મચારીએ ૧૫ એપ્રિલ, ૨૦૨૬થી ૩ જૂન, ૨૦૨૬ વચ્ચેના માત્ર ૫૦ દિવસના ગાળામાં ૧૬ વાર ચોરી કરી હતી અને ૧૯ વાર ચોરીમાં મદદ કરી હતી. આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ આ સિન્ડિકેટમાં સામેલ હતા.
- Advertisement -
79 લાખથી વધુની રકમ જપ્ત અને 133 સાક્ષીઓનો સમાવેશ
પોલીસની કાર્યવાહીમાં પકડાયેલા ૭ આરોપીઓ પાસેથી કુલ ૭૯,૮૫,૪૯૩ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસના તમામ ૮ આરોપીઓના બેંક ખાતામાં કુલ ૯૮,૩૦,૦૦૦ રૂપિયા જમા હોવાની પુષ્ટિ થઈ છે. આ સમગ્ર મામલે પોલીસે કુલ ૧૩૩ સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
નિવૃત્ત બેંક કર્મચારી પણ રેકેટમાં સામેલ
ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નિવૃત્ત બેંક કર્મચારી સુભાષ શ્રીવાસ્તવ પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા. સુભાષ શ્રીવાસ્તવ ૭ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ નિવૃત્ત થયા હતા અને તેમને દાનપેટીમાંથી મળતું દાન બેંકમાં જમા કરાવવાની જવાબદારી સોંપાઈ હતી. વધુ રકમ ચોરી કરવાના લાલચે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા આરોપીઓની ચેકિંગ ન થાય તે માટે તેણે સાથ આપ્યો હતો.




