મેદસ્વીતા વધતાં ડાયાબિટીસનો વિસ્ફોટ: દેશમાં 20.9% પુરુષોમાં હાઇ બ્લડ શુગર
ભારતમાં વધારે વજન અને સ્થૂળતા (ઓબેસિટી) ધરાવતાં લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. ‘કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય’ દ્વારા જાહેર કરાયેલાં ‘નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-6, ૨૦૨૩-૨૪)ના આંકડા દર્શાવે છે કે દેશમાં ૧૫ થી ૪૯ વર્ષની ૩૦.૭ ટકા મહિલાઓ અને ૨૭.૩ ટકા પુરુષો ઓવરવેઇટ કે સ્થૂળતાથી પીડાય છે.
NFHS-5 (૨૦૧૯-૨૧)માં આ આંકડો મહિલાઓ માટે ૨૪ ટકા અને પુરુષો માટે ૨૨.૯ ટકા હતો. પાંચ વર્ષથી ઓછા સમયમાં મહિલાઓમાં લગભગ ૭ ટકા અને પુરુષોમાં ૪ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. મેક્સ હેલ્થકેરના એન્ડોક્રિનોલોજી અને ડાયાબિટીસ વિભાગનાં ચેરમેન ડો. અંબરીશ મિત્તલના જણાવ્યા મુજબ, આ ફેરફાર માત્ર લોકોની કમાણી વધવાથી નથી થયો, પરંતુ સસ્તું અને પ્રોસેસ્ડ જંક ફૂડ ગામડાઓ સુધી સરળતાથી પહોંચવાને કારણે દેશનું આખું ફૂડ એન્વાયરમેન્ટ’ બદલાઈ ગયું છે. શહેરો અને ગામડાઓ વચ્ચે હજુ પણ મોટો તફાવત છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોનો ગ્રાફ સૌથી વધુ ચિંતાજનક રીતે ઉપર જઈ રહ્યો છે. આંકડા મુજબ, હાલમાં શહેરી મહિલાઓમાં ૪૨.૮ ટકા અને પુરુષોમાં ૩૬.૩ ટકા ઓવરવેઇટ છે, જેની સામે ગ્રામીણ મહિલાઓમાં ૨૫.૫ ટકા અને પુરુષોમાં ૨૩ ટકા આ પ્રમાણ છે.
પરંતુ NFHS-3 (૨૦૦૫-૦૬)માં ગ્રામીણ મહિલાઓમાં સ્થૂળતા માત્ર ૭.૨ ટકા હતી (જે તે સમયે શહેરોમાં ૨૩.૫% હતી), એટલે કે ગામડાઓમાં આ પ્રમાણ ત્રણ ગણાથી પણ વધી ગયું છે. સ્થૂળતાની સાથે દેશમાં હાઈ બ્લડ શુગર (ડાયાબિટીસ) ના કેસો પણ સતત વધી રહ્યાં છે. દેશમાં ૨૦.૯ ટકા પુરુષો અને ૧૭.૮ ટકા મહિલાઓમાં હાઇ કે વેરી હાઇ બ્લડ શુગર જોવા મળ્યું છે, જે NFHS-5માં અનુક્રમે ૧૫.૬ ટકા અને ૧૩.૫ ટકા હતું.
ખાસ વાત એ છે કે સ્થૂળતાની સરખામણીએ બ્લડ શુગરમાં શહેરી અને ગ્રામીણ તફાવત ઘણો ઓછો છે (ગામડામાં ૧૯.૭ ટકા પુરુષો અને ૧૬.૨ ટકા મહિલાઓ ; શહેરોમાં ૨૩.૯ ટકા પુરુષો અને ર૧.૯ ટકા મહિલાઓ). ડો. અંબરીશ મિત્તલ અને અન્ય નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે ભારતીયો અને દક્ષિણ એશિયાનાં લોકોમાં વજન કે BMI ઓછો હોવા છતાં પણ પેટના ભાગે અંદરની ચરબી (Visceral Fat) વધુ હોય છે, જેને ‘થિન-ફેટ ફિનોટાઈપ’ કહે છે.
આનાથી ઓછું વજન ધરાવતાં લોકોને પણ ડાયાબિટીસ થઈ શકે છે. તબીબોના જણાવ્યાં મુજબ, ખેતીમાં મશીનોનો વપરાશ વધવાથી અને વાહનવ્યવહાર સરળ થવાથી ગ્રામીણ વિસ્તારોમાં શારીરિક શ્રમ અને કસરતનું પ્રમાણ ઘટ્યું છે. સાથે જ માનસિક તણાવ, પૂરતી ઊંઘ ન મળવી અને મોબાઈલ-ટીવીનો સ્ક્રીન ટાઈમ વધવાથી સ્થૂળતાને વેગ મળી રહ્યો છે.




