સવારે 10થી રાત્રે 8 સુધી ખુલ્લો રાખવા અને બોટિંગ-મ્યુઝિકલ ફાઉન્ટેઈન ફરી શરૂ કરવા પ્રયાસ
નવરાત્રિમાં દાંડીયારાસ માટે મેદાન ભાડે આપવાની વિચારણા
- Advertisement -
રાજકોટ નજીક ઈશ્વરીયા મહાદેવ મંદિર પાસે આવેલ અને અંદાજે 77 એકરમાં પથરાયેલ ઈશ્વરીયા પાર્કને ફરી જીવંત બનાવવા માટે જિલ્લા કલેક્ટર તંત્રે મહત્વાકાંક્ષી વિકાસ યોજના તૈયાર કરી છે. વર્ષ 2024માં વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ સુરક્ષાના કારણોસર અહીં બોટિંગ સેવા બંધ કરવામાં આવી હતી. ઉપરાંત મ્યુઝિકલ ફાઉન્ટેઈન પણ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી શહેર અને આસપાસના વિસ્તારોના લોકો માટેનું આ લોકપ્રિય પર્યટન સ્થળ ધીમે-ધીમે મૃતપ્રાય સ્થિતિમાં પહોંચી રહ્યું હતું. હવે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ પાર્કના સર્વાંગી વિકાસ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
તાજેતરમાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઈશ્વરીયા પાર્કની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત બાદ પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા વધે, લોકો માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બને અને સાથે સાથે પાર્કની આવકમાં પણ વધારો થાય તે માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.
વિકાસ યોજનાના ભાગરૂપે આગામી બે મહિના માટે પ્રાયોગિક ધોરણે સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી મોર્નિંગ વોક અને યોગા માટે તમામ નાગરિકોને સંપૂર્ણ નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આરોગ્યપ્રેમી નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે આ પહેલ કરવામાં આવી છે. અત્યાર સુધી પાર્ક બપોરે 3 વાગ્યે ખુલતો હતો, પરંતુ હવે સમયપત્રકમાં મોટો ફેરફાર કરીને સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સતત ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી મુલાકાતીઓને હવે બપોરના બ્રેક વિના દિવસભર પાર્કની મુલાકાત લેવાની સુવિધા મળશે.
- Advertisement -
પાર્કની આવક વધારવા માટે પણ વહીવટી તંત્ર નવી દિશામાં વિચારણા કરી રહ્યું છે. હાલ પાર્કની જાળવણી પાછળ થતો ખર્ચ તેની આવક કરતાં વધુ હોવાથી આવકના નવા સ્ત્રોત ઉભા કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન નવરાત્રિ દરમિયાન દાંડીયારાસ માટે ભાડે આપવામાં આવે છે, તે જ મોડેલ ઈશ્વરીયા પાર્કમાં પણ અમલમાં મૂકવાની તૈયારી શરૂ થઈ છે. પાર્કના નિર્ધારિત મેદાનને નવરાત્રિ દરમિયાન દાંડીયારાસ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ભાડે આપવાની વિચારણા ચાલી રહી છે. દિવાળીના તહેવારો દરમિયાન પણ વિવિધ કાર્યક્રમો યોજી પાર્કને વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી મ્યુઝિકલ ફાઉન્ટેઈન અને બોટિંગ જેવી આકર્ષક સુવિધાઓ ફરી શરૂ કરવા માટે પણ જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખાસ કરીને હરણી બોટ દુર્ઘટના બાદ સુરક્ષા ધોરણોને ધ્યાનમાં રાખીને બોટિંગ સેવા બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે તેને પુનઃ શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર તંત્રની આ પહેલથી ઈશ્વરીયા પાર્કને ફરી એક વખત રાજકોટના લોકપ્રિય પર્યટન અને મનોરંજન કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. જો આયોજન મુજબ તમામ યોજનાઓ અમલમાં આવશે તો મોર્નિંગ વોક, યોગા, પરિવાર સાથે ફરવા આવનારા નાગરિકો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનથી પણ પાર્કમાં ફરીથી ચહલપહલ જોવા મળશે અને તેની આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.




