કાટમાળથી સુરંગ બંધ, રેસ્ક્યૂ કરવા ગયેલા કેટલાક વર્કર્સ બેભાન, બંગાળથી ખાસ બચાવ ટીમ લાવવામાં આવી
સિક્કિમમાં સોમવારે એક ટનલ પર ભૂસ્ખલન થતાં તેનો પ્રવેશદ્વાર બંધ થઈ ગયો, જેના કારણે અંદર હાજર 27 મજૂરો ફસાઈ ગયા. તેમાંથી 8ના મોત થયા. બાકીના 19 મજૂરો હજુ પણ ફસાયેલા છે. નામચી જિલ્લાના મામરિંગ સ્થિત સમરદુંગ સુરંગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જિલ્લા કલેક્ટર અનુપા તામલિંગે જણાવ્યું કે ફસાયેલા મજૂરોની સંખ્યા 27 થી ઓછી કે વધુ પણ હોઈ શકે છે. સુરંગમાં મિથેન ગેસ લીક થવાની આશંકા છે. ઘણા બચાવકર્મીઓને અંદર જતી વખતે ચક્કર આવ્યા. કેટલાક બેહોશ પણ થઈ ગયા, જેના કારણે બચાવ કામગીરી પ્રભાવિત થઈ. જિલ્લા અધિકારી તમલિંગે જણાવ્યું કે બપોરે લગભગ 3:40 વાગ્યે પ્રશાસનને દુર્ઘટનાની જાણ થઈ. ત્યારબાદ એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. સુરંગમાં પટેલ એન્જિનિયરિંગના 21 અને NHPCના 6 સહિત કુલ 27 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. પશ્ચિમ બંગાળથી પણ ગેસ-પ્રતિરોધક ઉપકરણો સાથે એક સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ લાવવામાં આવી છે. એમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવી છે. બચાવ દળ ગેસ માસ્ક પહેરીને મજૂરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ટનલ તિસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ માટે પટેલ એન્જિનિયરિંગ કંપની બનાવી રહી હતી.




