પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, મેયર ડૉ. નેહલ શુક્લ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને તેજસ ભટ્ટી સહિતનું ઇસ્કોનના મહંત દ્વારા સન્માન
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં વરસાદના અમી છાંટણાં વચ્ચે ભક્તિમય માહોલ સર્જાતાં આંતરરાષ્ટ્રીય શ્રીકૃષ્ણ ભાવનામૃત સંઘ (ઇસ્કોન) પ્રેરિત શ્રીશ્રી રાધા નીલમાધવ ધામ, ઇસ્કોન મંદિર, હરે કૃષ્ણ ભૂમિ, મોટા મૌવા, કાલાવડ રોડ દ્વારા સતત 24મી ભવ્ય રથયાત્રા યોજાઇ હતી. ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની અતૂટ ભક્તિ, હરિનામ સંકીર્તન અને ભક્તોના ઉત્સાહ વચ્ચે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
રથયાત્રાના પ્રસ્થાન કરાવનાર પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તથા તેજસ ભટ્ટી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ઇસ્કોન મંદિરના મહંત દ્વારા મહાનુભાવોનું શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
ભક્તોના જયઘોષ અને હરિનામ સંકીર્તન વચ્ચે પ્રસ્થાન પામેલી રથયાત્રા રામકૃપા ડેરી-કોટેચા ચોકથી શરૂ થઈ ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે. કે. ચોક, પુષ્કરધામ ચોક, એ.જી. ચોક, જહુસ રેસ્ટોરન્ટ, મોટામવા ચોક, રંગોલી પાર્ક રેસ્ટોરન્ટ, કોરાટ વાવડી મેઈન રોડ, વાઈબ રોડ અને જિનિયસ રોડ થઈને પુનઃ ઇસ્કોન મંદિર ખાતે પહોંચી હતી. સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના દર્શન કરી રથયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વરસાદની હળવી ઝરમર છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા પુષ્પવર્ષા, ભગવાનના જયઘોષ અને હરિનામ સંકીર્તનથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાયા હતા.
- Advertisement -
આ પ્રસંગે ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય કૃષ્ણકૃપામૂર્તિ, મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ, બાસુઘોષ પ્રભુજી, દેવકીનંદન પ્રભુજી, હર્ષ ગોવિંદ પ્રભુજી અને વંશીધારી પ્રભુજી સહિતના સંતો અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના સંદેશને જીવનમાં ઉતારવા, ભક્તિ, સેવા અને સદાચારના માર્ગે આગળ વધવા માટે ભાવિકોને પ્રેરણા આપી હતી. આયોજકોએ રથયાત્રાના સફળ આયોજન માટે સ્વયંસેવકો, ભક્તો અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




