જગતનિયંતા સાથેનો સંબંધ માત્ર સંકટના સમયનો નહીં પરંતુ પ્રત્યેક ક્ષણનો હોવો જોઈએ : માંધાતાસિંહજી જાડેજા
રણજીત વિલાસ પેલેસ પરિસરમાં ઠાકોરજીએ વિશ્રામ કર્યો અને સંતો-મહંતો તથા રથયાત્રીઓએ ભોજન ગ્રહણ કર્યું
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
પ્રભુ અને પ્રકૃતિના આશીર્વાદ એકીસાથે વહે છે તેવી અષાઢી બીજના પરમ પાવન દિવસે રાજકોટ રાજ પરિવારના મોભી ઠાકોર માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ જયદીપસિંહજી જાડેજાએ ભગવાન જગન્નાથજીની અનન્ય સેવા કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જગન્નાથ મંદિર-રાજકોટના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી, સંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલા, મેયર ડૉ. નેહલભાઇ શુક્લ, પૂર્વ ધારાસભ્યો ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઇ, સંતો-મહંતો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રથયાત્રીઓ દ્વારા થતાં બુલંદ જયઘોષ સાથે સર્વે મહાનુભવોએ બલરામજી, સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની આરતી ઉતારીને યુવરાજ જયદીપસિંહ જાડેજા દ્વારા નિજમંદિરમાંથી રથમાં બિરાજમાન કરાવવાની વિધિ દરમિયાન નિજમાર્ગ પર પુષ્પવર્ષા અને પંચામૃતાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ માર્ગ સ્વચ્છ કરતી પહિન્દ વિધિ સંપન્ન કરીને ૨૬ કિલોમીટર લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને રથયાત્રા જ્યારે લાખાજીરાજ માર્ગ ઉપર પહોંચી ત્યારે લાખાજીરાજ ભવન ખાતે નિયામક ડો. કલાધર આર્ય અને વેપારી મંડળના સર્વ અંકૂરભાઇ ઠક્કર, તુષારભાઇ ફલીયા, ફાલ્ગુનભાઇ પોપટ, અનિરુદ્ધસિંહ ચુડાસમા, હિરેનભાઇ વાઘેલાએ ત્રણેય રથમાં બિરાજમાન ઠાકોરજી તથા સંતો-મહંતોને પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. સમરસતાના ગુણોનાં ફેલાવા સાથે સમાજમાં સમાનતા અને એકતાના ભાવોને સુદ્રઢ કરીને જીવનને ઉન્નત બનાવવાનો સંદેશ પ્રસરાવતી તથા “વસુધૈવ કુટુંમ્બકમ્’નો દિવ્ય સંદેશ વહાવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મધ્યાહને રણજીત વિલાસ પેલેસ ખાતે પહોંચી ત્યારે રાજકોટ રાજ પરિવાર વતી ઠાકોર માંધાતાસિંહ જાડેજા અને યુવરાજ જયદીપસિંહ જાડેજાએ સંતો-મહંતોનું પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. દાહુ બલરામજી અને ભગિની સુભદ્રાજી સંગાથે નગરચર્યાએ નિકળેલાં ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ પેલેસ પરિસરમાંથી પસાર થઈને મુખ્ય પોર્ચમાં પહોંચ્યા ત્યારે રાજમાતા માનકુમારી દેવી, ફૈબા પ્રેમીલા રાજેજી અને રાજકુમારી શાંતીદેવીએ મહેલના ઝરૂખામાંથી ત્રણેય રથ ઉપર પુષ્પવર્ષા કરી ત્યારબાદ સમગ્ર રાજ પરિવારે વૈદિક મંત્રોચ્ચારના દિવ્ય ધ્વનિ વચ્ચે ત્રણેય રથમાં બિરાજમાન ઠાકોરજીનું વિધિવત પૂજન-અર્ચન કરીને સંતો-મહંતો અને રથયાત્રીઓને “અન્નમ્ બ્રહ્મ” કરાવ્યું હતું.




