આંધ્ર પ્રદેશમાં કોરોનાનાં ૧૨ કેસ, ૪ મોત : જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ પૂણે મોકલાયા
આંધ્ર પ્રદેશમાં ૨૬ જૂનથી ૧૬ જુલાઈની વચ્ચે કોરોના સંક્રમણના ૧૨ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન ૪ દર્દીઓના મોત પણ થયા છે. રાજ્ય સરકારે વાયરસના વેરિઅન્ટને ઓળખવા માટે ૫ સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ વાયરોલોજી (NIV), પુણે મોકલ્યા છે. બીજી તરફ, પડોશી રાજ્ય કર્ણાટકમાં પણ સાવચેતીઓ વધારી દેવામાં આવી છે. આંધ્ર પ્રદેશના આરોગ્ય સચિવ અને કમિશનર વીરા પાંડિયનના જણાવ્યા અનુસાર જે ૪ દર્દીઓના મોત થયા છે, તેઓ પહેલાથી જ હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને કિડનીની સમસ્યા જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૩૯ કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી ૧૨ આંધ્ર પ્રદેશના છે. આંકડા મુજબ, કડપામાં ૮, ગુંટુરમાં ૨, વિશાખાપટ્ટનમ અને કાકીનાડામાં ૧-૧ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કેસ અલગ-અલગ વિસ્તારોમાંથી છે અને ક્યાંય પણ ક્લસ્ટર બન્યું નથી. હાલમાં ૩ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને ૨ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૩ લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વિશાખાપટ્ટનમની KGH હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. વાણીએ જણાવ્યું કે ત્યાં એક દર્દીમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. લક્ષણો દેખાતા ડોક્ટરે તેને ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. ખાનગી લેબમાં પુષ્ટિ થયા બાદ KGH હોસ્પિટલમાં પણ ફરીથી તપાસ કરવામાં આવી, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
- Advertisement -
ગભરાશો નહીં: પ્રશાસનની અપીલ
આંધ્ર પ્રદેશના સ્વાસ્થ્ય સચિવ વીરા પાંડિયને લોકોને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં, સાવચેતી રાખે. તેમણે કહ્યું કે રાજ્યભરની હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કર્મચારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દેશભરમાં ૧ જુલાઈથી અત્યાર સુધીમાં ૩૩૯ કોરોના કેસ નોંધાયા છે.




