યુપી અને બિહારમાં આગામી ૭ દિવસ ભારે વરસાદનું એલર્ટ
જમ્મુ કાશ્મીરમાં ૧૫ દિવસમાં વાદળ ફાટવાની ૧૬ ઘટના
- Advertisement -
દેશના લગભગ ૫૦-૬૦% ભાગમાં ફરી વાદળો છવાયેલા દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયાને કારણે યુપી, બિહાર સહિત પૂર્વોત્તરમાં વરસાદ થઈ રહ્યો છે. અહીં આગામી ૭ દિવસમાં ભારે વરસાદનું એલર્ટ છે. જ્યારે ઓલ ઇન્ડિયા વેધર મુજબ ભૂમધ્ય રેખા પાસે પણ એક અન્ય સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ બે નવી સિસ્ટમ સક્રિય થવાથી ૨૦ થી ૩૦ જુલાઈ વચ્ચે મધ્ય પ્રદેશ સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદની શક્યતા છે. જુલાઈના પહેલા અઠવાડિયામાં ચોમાસું આવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં ૧૫ દિવસમાં ૧૬ વખત વાદળ ફાટ્યું છે. કાશ્મીર હવામાન કેન્દ્ર મુજબ, આવનારા દિવસોમાં આવી ઘટનાઓ વધુ વધી શકે છે. તમિલનાડુમાં આજે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અલ નીનોને કારણે વરસાદ ઓછો થવાથી જુલાઈમાં પણ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે. રાજસ્થાનના ૧૭ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસું ફરીથી સક્રિય થવાનો અંદાજ છે. હાલ વરસાદ ઓછો હોવાને કારણે જયપુર સહિત કેટલાક જિલ્લાનું તાપમાન ૩૬ ડિગ્રીથી વધુ રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં ૯ દિવસ પછી ભારે વરસાદનું એલર્ટ છે. જ્યારે ૩૧ જિલ્લાઓમાં ગાજવીજ, વાવાઝોડું અને હળવો વરસાદ પડશે. જ્યારે છેલ્લા ૯ દિવસથી રાજ્યમાં ભારે વરસાદ થયો નથી. જેના કારણે સામાન્ય વરસાદનો આંકડો ૧૩ ટકા ઓછો છે. છત્તીસગઢના રાયપુર, દુર્ગ સહિતના ઘણા વિસ્તારોમાં આખી રાતથી ઝરમર વરસાદ ચાલુ છે. જ્યારે બિલાસપુરમાં આખી રાત થયેલા ભારે વરસાદથી ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ, રાયગઢમાં ગુરુવારે સાંજે આકાશી વીજળી પડવાથી પ્રભા એક્કા (૫૫)નું મૃત્યુ થયું.
બારાબંકીમાં સરયૂ નદીમાં પુર, 87 ગામોમાં જોખમ
નેપાળ અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે બારાબંકીમાં સરયૂ નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. વધતા જળસ્તરને કારણે ૮૭ ગામો પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. રાજ્યના તમામ ૭૫ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે.




