ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી, ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ સંપન્ન કરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
લાખો ભક્તો જેની મહિનાઓથી ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તેવી અમદાવાદની ભારતના કુંભ મેળા પછીની પોલીસ બંદોબસ્તની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી રથયાત્રાનો અસંખ્ય ભાવિક ભક્તોના ગગનભેદી નારાઓ વચ્ચે શુભારંભ થયો છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સપરિવાર જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી અને પૂજા અર્ચના કરીને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા. મોડી રાતથી જ મંદિર પરિસરમાં ભાવિકોનો પ્રવાહ અવિરત વહી રહ્યો હતો.
- Advertisement -
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન અવસરે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને તેમના રથનું પૂજન અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત પાંચમી વખત સોનાની સાવરણીથી રથની સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્ય રથને નગરયાત્રા માટે ભક્તિભાવપદ બહાર લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો અને દેશવિદેશમાં વસતા સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધેલા વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લેશે. અમદાવાદની આ રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક છે અને તે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સેવારત તમામ વિભાગોનો તેમણે આભાર માન્યો હતો.




