સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા અને પરિણામ વ્યવસ્થાની અવ્યવસ્થા મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતની શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત
રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, જ્યારે એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ હજુ B.A.-M.A.સેમ-1ની પરીક્ષાની રાહમાં
- Advertisement -
૧૦૦ જેટલી પરીક્ષાઓના પરિણામો હજુ બાકી અને મૂલ્યાંકનની ખામીઓ દૂર કરવા રાજ્ય સરકારના હસ્તક્ષેપની માંગ
સમયસર પરીક્ષા નહીં, સમયસર પરિણામ નહીં, કાયમી પરીક્ષા નિયામક નથી : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સતત થઈ રહ્યો છે ખેલ
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થામાં સર્જાઈ રહેલી ગંભીર વહીવટી અવ્યવસ્થાને લઈને કોંગ્રેસના વિદ્યાર્થી નેતા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને ઇમેઇલ મારફતે વિગતવાર રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં વિલંબ, પરિણામો જાહેર કરવામાં થતી મોડાશ, મૂલ્યાંકનની ખામીઓ અને વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવાની ગંભીર સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રજુઆત અનુસાર, એક્સ્ટર્નલના સ્નાતક અભ્યાસક્રમ બી.એ. અને અનુસ્નાતક અભ્યાસક્રમ એમ.એ. સેમેસ્ટર-1ની પરીક્ષાઓ નોંધણી થયાના લગભગ એક વર્ષ બાદ પણ યોજાઈ નથી. સામાન્ય રીતે એક સેમેસ્ટરની પરીક્ષા પાંચથી છ મહિનામાં પૂર્ણ થતી હોવા છતાં લગભગ આઠ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પરીક્ષા યોજાઈ ન હોવાથી હજારો વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાયું હોવાનું જણાવાયું છે.
રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ એવી સ્થિતિ ઊભી થઈ છે કે રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમેસ્ટર-3ની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે, જ્યારે એક્સ્ટર્નલના બી.એ. અને એમ.એ.ના વિદ્યાર્થીઓએ હજુ સુધી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ પણ આપી નથી. આ સ્થિતિ યુનિવર્સિટીની વહીવટી નિષ્ફળતાનું સ્પષ્ટ પ્રતિબિંબ હોવાનું તેમણે જણાવ્યું છે.
રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રેગ્યુલર પરીક્ષાઓના અંદાજે 70થી વધુ પરિણામો હજુ જાહેર કરવાના બાકી છે. ઉપરાંત રી-અસેસમેન્ટના મોટા ભાગના પરિણામો પણ જાહેર થયા નથી. આમ કુલ મળીને અંદાજે 100 જેટલા પરિણામો લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી અને ખાનગી ભરતી પ્રક્રિયાઓ તેમજ અન્ય શૈક્ષણિક તકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મૂલ્યાંકન પ્રક્રિયામાં રહેલી ખામીઓ અંગે પણ રજૂઆતમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જવાબવહીઓનું યોગ્ય અને ગુણવત્તાસભર મૂલ્યાંકન ન થવાના કારણે અનેક મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવાયું છે. પરિણામે વિદ્યાર્થીઓને રી-ચેકિંગ અને રી-અસેસમેન્ટ માટે વારંવાર અરજી કરવાની ફરજ પડતી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ ઉપરાંત છેલ્લા લગભગ પાંચ વર્ષથી વિવિધ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ સંપૂર્ણ હાજરી આપી હોવા છતાં પરિણામમાં તેમને ગેરહાજર (Absent) દર્શાવવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી વહીવટી ભૂલોના કારણે વિદ્યાર્થીઓને પોતાની હાજરી સાબિત કરવા માટે કોલેજ અને પરીક્ષા કેન્દ્રમાંથી પ્રમાણપત્ર મેળવવું પડે છે અને અનેક વખત યુનિવર્સિટીના ધક્કા ખાવા પડે છે. તેમ છતાં આજદિન સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, તેવું રજૂઆતમાં જણાવાયું છે.
રોહિતસિંહ રાજપૂતે શિક્ષણમંત્રી સમક્ષ માંગ કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, સમયબદ્ધ શૈક્ષણિક કેલેન્ડરનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવે, હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને વહીવટી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
સાથે જ પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા પારદર્શક, સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે શિક્ષણ વિભાગના કોઈ વરિષ્ઠ અધિકારીને વિશેષ જવાબદારી સોંપી નિયમિત દેખરેખની વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.




