જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધને આપ્યા વૈજ્ઞાનિક પુરાવા
પાણી સંગ્રહ ક્ષમતા અને જમીનની ફળદ્રુપતામાં વધારો : રાસાયણિક ખેતીનો વિકલ્પ બની રહી છે પ્રાકૃતિક ખેતી
- Advertisement -
દર વર્ષે પ્રતિ હેક્ટર 4થી 8 ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ આબોહવા લાભ મળ્યાનો દાવો
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત કૃષિ પદ્ધતિ નહીં પરંતુ ટકાઉ કૃષિ, જમીનના સ્વાસ્થ્યમાં સુધારો અને આબોહવા પરિવર્તન સામે અસરકારક લડત માટેનો વૈજ્ઞાનિક માર્ગ છે. આ દિશામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા વ્યાપક સંશોધનોએ મહત્વપૂર્ણ તારણો રજૂ કર્યા છે. સંશોધન મુજબ સતત પાંચ વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા, પાણી સંગ્રહ ક્ષમતા, કાર્બન સંગ્રહ અને ઉત્પાદનક્ષમતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ સંશોધનના તારણો ગાંધીનગરના લોકભવન ખાતે યોજાયેલી રાજ્ય સ્તરીય પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ આ સંશોધનને કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. સંશોધન અનુસાર પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેતરોમાં માત્ર પાંચ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.45 ટકાથી વધીને 0.93 ટકા થયું છે. વરસાદી તથા સિંચાઈનું પાણી જમીનમાં ઉતરવાનો દર 6.50 સેન્ટીમીટર પ્રતિ કલાકથી વધીને 14.50 સેન્ટીમીટર પ્રતિ કલાક થયો છે. ઉપરાંત જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા 12.75 ટકાથી વધીને 19.84 ટકા નોંધાઈ છે, જે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ પાકને વધુ સુરક્ષા પ્રદાન કરી શકે છે.
- Advertisement -
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જમીનના નમૂનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને યુનિવર્સિટીએ ઓર્ગેનિક કાર્બનની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. અભ્યાસમાં સૌરાષ્ટ્રની જમીનમાં સરેરાશ 0.57 ટકા ઓર્ગેનિક કાર્બન નોંધાયો હતો. જિલ્લાવાર જોવામાં આવે તો પોરબંદરમાં સૌથી વધુ 0.82 ટકા, ગીર સોમનાથમાં 0.75 ટકા અને જૂનાગઢમાં 0.72 ટકા ઓર્ગેનિક કાર્બન નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં 0.44 ટકા, ભાવનગરમાં 0.45 ટકા અને જામનગરમાં 0.46 ટકા પ્રમાણ નોંધાયું હતું. સંશોધકોના જણાવ્યા અનુસાર જ્યાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધુ હોય છે ત્યાં જમીનની ફળદ્રુપતા, ભેજ જાળવવાની ક્ષમતા અને કૃષિ ઉત્પાદકતા પણ વધુ સારી રહે છે. ખેડૂતોના ખેતરોમાં કરવામાં આવેલા પ્રયોગો દરમિયાન જમીનની ભૌતિક ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. પાંચ વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી કરાયેલા ખેતરોમાં જમીનની છિદ્રાળુતા 34.63 ટકાથી વધીને 41.08 ટકા થઈ હતી, જ્યારે જમીનની ઘનતા 1.42 Mg/m³થી ઘટીને 1.36 Mg/m³ થઈ હતી. પરિણામે જમીનમાં હવા અને પાણીનો પ્રવાહ વધુ અસરકારક બન્યો, છોડના મૂળનો વિકાસ સુધર્યો અને લાંબા ગાળે પાકની ઉત્પાદકતા જાળવી રાખવામાં મદદ મળી.
સંશોધનમાં આબોહવા પરિવર્તન સામે પ્રાકૃતિક ખેતીની ભૂમિકા પણ ઉજાગર કરવામાં આવી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગમાં ઘટાડો, પાકના અવશેષોનું પુનઃચક્રિયકરણ, જીવામૃત જેવા પ્રાકૃતિક ઇનપુટ્સનો ઉપયોગ અને ઓછી ખેડ જેવી પદ્ધતિઓ જમીનમાં કાર્બન સંગ્રહ વધારવામાં અસરકારક સાબિત થઈ છે. તેના પરિણામે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને પ્રાકૃતિક ખેતી ‘ક્લાઇમેટ-સ્માર્ટ એગ્રીકલ્ચર’ તરીકે અસરકારક વિકલ્પ બની રહી છે. સંશોધન મુજબ પ્રાકૃતિક ખેતી દ્વારા દર વર્ષે પ્રતિ હેક્ટર 4થી 8 ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ (tCO₂e) જેટલો આબોહવા સંબંધિત લાભ મળી શકે છે. આ તારણો ભારતના વર્ષ 2070 સુધીના ‘નેટ ઝીરો’ લક્ષ્યને હાંસલ કરવામાં પણ પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે.
જમીનના સ્વાસ્થ્યમાં સતત ઘટાડો, વધતું આબોહવા પરિવર્તન અને કૃષિ ખર્ચ જેવા પડકારો વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું આ સંશોધન ખેડૂતો માટે આશાનું નવું કિરણ બની રહ્યું છે. વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત થયેલા આ પરિણામો સ્પષ્ટ સંદેશ આપે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ ખેડૂતોની આવક, જમીનની ફળદ્રુપતા અને ભાવિ કૃષિ વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવી શકે છે.
પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક ફાયદા
પાંચ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બન 0.45%થી વધીને 0.93% થયું.
પાણી જમીનમાં ઉતરવાનો દર 6.50થી વધીને 14.50 સેમી પ્રતિ કલાક નોંધાયો.
જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા 12.75%થી વધીને 19.84% થઈ.
જમીનની છિદ્રાળુતા 34.63%થી વધીને 41.08% થઈ.
જમીનની ઘનતા 1.42થી ઘટીને 1.36 Mg/m³ થઈ.
દર વર્ષે પ્રતિ હેક્ટર 4થી 8 ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ આબોહવા લાભ શક્ય.
પોરબંદરની જમીનમાં સૌથી વધુ 0.82% ઓર્ગેનિક કાર્બન નોંધાયો.
ગીર સોમનાથમાં 0.75% અને જૂનાગઢમાં 0.72% ઓર્ગેનિક કાર્બન નોંધાયો.
પ્રાકૃતિક ખેતીને ક્લાઇમેટ-સ્માર્ટ એગ્રીકલ્ચર તરીકે અસરકારક માનવામાં આવી.
ભારતના 2070ના નેટ ઝીરો લક્ષ્યમાં પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.




