ગુજરાત પોલીસનું રાજ્યવ્યાપી અભિયાન : દરેક બાળક શાળામાં હોય, કોઈપણ બાળક કામ પર નહીં
પોલીસ, શ્રમ વિભાગ, બાળ કલ્યાણ સમિતિ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરી હજુ કાર્યવાહી કરાશે
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતમાં બાળમજૂરીના દૂષણ સામે કડક કાર્યવાહી કરતાં રાજ્ય પોલીસે ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ નામનું વિશેષ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના પ્રથમ 14 દિવસમાં જ પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે અને બાળમજૂરી કરાવનારા 26 આરોપીઓ સામે 16 ગુનાઓ નોંધ્યા છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો અને બાળમજૂરીના દૂષણને મૂળમાંથી નાબૂદ કરવાનો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા આ અભિયાનનું સૂત્ર છે દરેક બાળક શાળામાં હોવું જોઈએ, કોઈપણ બાળક મજૂરી કરતું ન હોવું જોઈએ. આ અભિયાન અંતર્ગત પોલીસ રાજ્યભરના ઔદ્યોગિક વિસ્તારો, વેપારી એકમો, કારખાનાઓ અને અન્ય સ્થળોએ દરોડા પાડી બાળમજૂરોને મુક્ત કરાવી રહી છે.
તાજેતરમાં સુરત શહેરના કામરેજ વિસ્તારમાં આવેલી ‘જય અંબે ટેક્સટાઇલ્સ’ નામની ફેક્ટરીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. અહીંથી બે સગીર બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કારખાનાનો માલિક બાળકો પાસેથી સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી સતત કામ કરાવતો હતો. દિવસ દરમિયાન માત્ર એક કલાકનો જ વિરામ આપવામાં આવતો હતો. બાળકોને રોજના આશરે ₹200 જેટલું વેતન ચૂકવવામાં આવતું હતું. વધુમાં, કામ કરવાની ના પાડતા બાળકો સાથે બળજબરી કરવામાં આવતી હોવાની પણ માહિતી સામે આવી હતી. આ બાળકોને લાંબા કલાકો સુધી કામ કરાવી શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવતું હોવાનું જણાયું હતું. પોલીસે બાળકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેમનું પુનર્વસન શરૂ કર્યું છે તેમજ તેઓ ફરીથી શિક્ષણ સાથે જોડાઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેસમાં જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ અભિયાન હેઠળ માત્ર બાળમજૂરો રાખનારા વેપારીઓ અથવા ફેક્ટરી માલિકો સામે જ નહીં, પરંતુ બાળકોને કામ પર પહોંચાડતા કોન્ટ્રાક્ટરો અને સમગ્ર સપ્લાય ચેઇન નેટવર્ક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. બાળમજૂરી પાછળ કાર્યરત ગેરકાયદેસર માળખાને તોડી પાડવાનો પોલીસનો પ્રયાસ છે. પોલીસના પ્રાથમિક વિશ્લેષણ મુજબ ગરીબી, સ્થળાંતર અને સસ્તા શ્રમની માંગ બાળમજૂરીના મુખ્ય કારણો છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પોલીસ શ્રમ વિભાગ, બાળ કલ્યાણ સમિતિ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરીને કાર્ય કરી રહી છે. ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતું અભિયાન નથી, પરંતુ બાળમજૂરીના ચક્રમાં ફસાયેલા બાળકોને શિક્ષણ, સુરક્ષા અને સન્માનભર્યું ભવિષ્ય આપવાનો એક વ્યાપક પ્રયાસ છે. રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે. બાળકોનું સ્થાન કારખાનામાં નહીં, પરંતુ શાળામાં છે.
માત્ર રેસ્ક્યૂ નહીં, પુનર્વસન પર પણ વિશેષ ભાર : ડીજીપી જી. એસ. મલિક
રાજ્ય પોલીસ વડા (ડીજીપી) જી. એસ. મલિકે જણાવ્યું કે, આ અભિયાન માત્ર દરોડા અને ગુનાઓ નોંધવા પૂરતું સીમિત નથી. બાળમજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં પરત લાવવા અને તેમને નવી જિંદગી મળે તે માટે પુનર્વસનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 84 બાળમજૂરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જેમાંથી 67 બાળકોનું પુનર્વસન પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્યભરમાં 160થી વધુ જાગૃતિ કાર્યક્રમો યોજી બાળમજૂરીના નુકસાન અને શિક્ષણના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે.
ટેક્સટાઇલ યુનિટ, હોટેલ અને નાના ઉદ્યોગોમાં વધુ કેસો : એડીજીપી અજય ચૌધરી
ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (મહિલા સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું કે બાળમજૂરીના મોટા ભાગના કેસો ટેક્સટાઇલ યુનિટો, હોટેલો, રાઇસ મિલો અને નાના ઉદ્યોગોમાંથી સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મુક્ત કરાયેલા ઘણા બાળકો બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેથી આવા કેસોમાં સંભવિત માનવ તસ્કરી (ચાઇલ્ડ ટ્રાફિકિંગ)ના એંગલની પણ ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
- Advertisement -
50 હજારથી વધુ સ્થળોની તપાસનું લક્ષ્ય
‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ અંતર્ગત ગુજરાત પોલીસ રાજ્યભરમાં 50,000થી વધુ સ્થળોની તપાસ કરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ વેપારીઓ, ઉદ્યોગકારો અને ફેક્ટરી માલિકોમાં બાળમજૂરી વિરોધી કાયદાઓ તથા શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે.




