સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં ‘સેવા વર્ષ–2026’નો પ્રારંભ : 13 જૂને કિડની જાગૃતિ પરિસંવાદ
પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ૧૦૮ વ્રજરાજકુમારજી મહારાજના હસ્તે સેમિનારનું ઉદ્ઘાટન કરાશે
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પાવન સ્મૃતિમાં સ્થાપિત ‘વિજય રૂપાણી મેમોરિયલ’દ્વારા સમગ્ર વર્ષને ‘સેવા વર્ષ–2026’ તરીકે ઉજવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સેવા વર્ષના પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમ તરીકે રાજકોટમાં કિડની આરોગ્ય જાગૃતિ માટે વિશાળ જનઅભિયાન સ્વરૂપે કિડની જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદ તા. 13 જૂન, શનિવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન પ્રમુખસ્વામી સભાગૃહ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે.
વિજય રૂપાણી મેમોરિયલ અને ભારતીય તબીબી મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોમાં કિડની સંબંધિત રોગો અંગે વૈજ્ઞાનિક અને વ્યવહારુ જાગૃતિ લાવવાનો છે. હાલના સમયમાં મધુપ્રમેહ, ઉચ્ચ રક્તચાપ, અનિયમિત જીવનશૈલી, અસંતુલિત આહાર અને સમયસર નિદાનના અભાવને કારણે કિડનીના રોગોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘણા લોકો શરૂઆતના લક્ષણોથી અજાણ રહેતા હોવાથી રોગ ગંભીર તબક્કે પહોંચ્યા બાદ જ સારવાર લેવાની ફરજ પડે છે.
- Advertisement -
આરોગ્ય ક્ષેત્રના અગ્રણી તજજ્ઞ ડો. પ્રાંજલભાઈ મોદી તથા રાજકોટના જાણીતા કિડની રોગ નિષ્ણાત અને સમાજસેવી તબીબ ડો. સંજયભાઈ પંડ્યા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. બંને નિષ્ણાતો કિડનીના રોગોના કારણો, નિવારણ, યોગ્ય જીવનશૈલી, મધુપ્રમેહ અને ઉચ્ચ રક્તચાપની કિડની પર થતી અસર, સમયસર તપાસનું મહત્વ તેમજ અંગદાન જેવા વિષયો પર વિસ્તૃત માહિતી આપશે.
પરિસંવાદ દરમિયાન કિડનીને સ્વસ્થ રાખવાના ઉપાયો, પૂરતું પાણી પીવાનું મહત્વ, યોગ્ય આહાર પદ્ધતિ, કૃત્રિમ કિડની પ્રક્રિયા અંગેની માહિતી, કિડની પ્રત્યારોપણ અંગે માર્ગદર્શન અને અંગદાનના મહત્ત્વ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત નાગરિકોને પોતાના પ્રશ્નો સીધા નિષ્ણાતો સમક્ષ રજૂ કરવાની પણ તક મળશે.
કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાય સંસ્થાના સંસ્થાપક તથા વલ્લભાચાર્યજી પીઠ વ્રજધામ સંકુલના ગાદીપતિ પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહારાજ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યઉદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી રહેશે.
મુખ્ય મહેમાન તરીકે રાજકોટ લોકસભાના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા હાજર રહેશે. જ્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા અને ડો. દર્શિતાબેન શાહ સહિત અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો, તબીબો, ઉદ્યોગકારો, શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નાગરિકો પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
આરોગ્ય જાગૃતિનું લોકઅભિયાન
આયોજકોના જણાવ્યા અનુસાર આ પરિસંવાદ માત્ર સારવાર અંગે માહિતી આપતો કાર્યક્રમ નથી, પરંતુ લોકોને રોગ થાય તે પહેલાં જ સાવચેત બનાવવાના ઉદ્દેશ સાથે આરોગ્ય જાગૃતિનું લોકઅભિયાન છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના વિચારને સાકાર કરવા માટે આરોગ્ય, શિક્ષણ, યુવા વિકાસ, મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ, પર્યાવરણ અને સામાજિક જાગૃતિ જેવા ક્ષેત્રોમાં વર્ષભર વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો યોજવામાં આવશે.




