એક મહિનાથી ગંદા પાણીના વિતરણથી લોકો પરેશાન
રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ધરમનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દૂષિત અને ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સમસ્યાનો લાંબા સમયથી ઉકેલ ન આવતા વિસ્તારની મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ આરોપ લગાવ્યો કે તેમને પીવા અને ઘરગથ્થુ ઉપયોગ માટે બેક્ટેરિયાયુક્ત તથા ગંદુ પાણી પુરવઠા મારફતે આપવામાં આવી રહ્યું છે, જેના કારણે અનેક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ દૂષિત પાણીના કારણે ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં વિવિધ પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે. અનેક પરિવારોને સારવાર માટે હોસ્પિટલોના ધક્કા ખાવા પડી રહ્યા છે. પીવાના શુદ્ધ પાણીના અભાવે લોકોને વધારાનો આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છે. વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું કે સમસ્યાના નિરાકરણ માટે તેઓએ અનેક વખત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ મેયર સમક્ષ રજૂઆતો કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ આક્રોશભેર જણાવ્યું હતું કે ચૂંટણી સમયે મત માંગવા માટે નેતાઓ ઘેર-ઘેર આવ્યા હતા, પરંતુ હવે જ્યારે મૂળભૂત સુવિધાઓનો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે તેમની સમસ્યાઓ સાંભળવા કોઈ આગળ આવતું નથી. દૂષિત પાણીના કારણે હવે લોકોને બજારમાંથી વેચાતું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે, જે સામાન્ય પરિવારો માટે વધારાનો ખર્ચ બની રહ્યો છે. મહિલાઓએ તાત્કાલિક અસરથી પાણીની લાઈન અને પુરવઠા વ્યવસ્થાની તપાસ કરી શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે. સાથે જ જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સ્થાનિકોમાં એવી માંગ ઉઠી છે કે મહાનગરપાલિકા દ્વારા પાણીના નમૂનાઓની તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ધરમનગરના રહેવાસીઓને શુદ્ધ તથા સલામત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે.




