5 દિવસમાં 13 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું: MP-UPમાં વાવાઝોડા સાથે વરસાદ, કેરળ-કર્ણાટકમાં રેડ એલર્ટ
રાજસ્થાનમાં હીટવેવની ચેતવણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યો સુધી પહોંચી ગયું છે. તેણે સોમવારે તેલંગાણામાં પ્રવેશ કર્યો છે. ચોમાસું પશ્ચિમ કિનારે હવે મુંબઈથી 150 કિમી દૂર છે. આગામી 48 કલાકમાં તે મુંબઈમાં દસ્તક આપી શકે છે.
મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં સોમવારે વરસાદ થયો. યુપીના ગોરખપુર અને જાલૌનમાં પણ ભારે વરસાદ થયો. રાજસ્થાનના કેટલાક ભાગોમાં 60 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો.
બીજી તરફ, રાજસ્થાનના પશ્ચિમી જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ છે. સોમવારે શ્રીગંગાનગરમાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ફલોદીમાં 44.8 ડિગ્રી, જેસલમેર અને બીકાનેરમાં 44-44 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. સમગ્ર કેરળ અને કર્ણાટકના 2 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે.
કેરળમાં આ વખતે ચોમાસું 3 દિવસ મોડું એટલે કે 4 જૂને પહોંચ્યું હતું. ત્યારબાદ માત્ર 5 દિવસમાં તે 13 રાજ્યો સુધી પહોંચી ગયું છે. સોમવારે ચોમાસાએ તેલંગાણામાં પણ પ્રવેશ કર્યો. આ પહેલા રવિવારે ચોમાસું ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સુધી પહોંચ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં તે કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પૂર્વોત્તરના બાકીના વિસ્તારોમાં આગળ વધી શકે છે. ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આગામી કેટલાક દિવસોમાં ચોમાસું પહોંચી શકે છે.
પશ્ર્ચિમ કિનારે ચોમાસું હવે મુંબઈથી લગભગ 150 કિમી દૂર છે. આગામી 48 કલાકમાં તેના મુંબઈ પહોંચવાની સંભાવના છે. મુંબઈમાં ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ 10 જૂન છે. આગામી 7 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
ઉત્તર ભારતમાં ગરમી ફરી તેજ બની છે. દિલ્હીમાં સોમવારે મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીના સફદરજંગમાં તાપમાન 42.2 ડિગ્રી રહ્યું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગ મુજબ 10 જૂન સુધીમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે. ઈંખઉ એ આજે 8 રાજ્યોમાં લૂ (હીટવેવ) નું એલર્ટ આપ્યું છે. તેમાં મધ્ય પ્રદેશ (પૂર્વ), ઉત્તર પ્રદેશ (પૂર્વ), દિલ્હી, ચંદીગઢ, મહારાષ્ટ્ર (વિદર્ભ), હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાનનો સમાવેશ થાય છે.



