950થી વધુ વાહનો વિવિધ જણસ લઇ યાર્ડમાં પહોંચ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટ માર્કેટયાર્ડ ખાતે આજે શુક્રવાર, તા. 22 મે 2026ના રોજ કૃષિ ઉપજની ભારે આવક વચ્ચે વેપારી અને ખેડૂત વર્ગમાં ચહલપહલનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડમાં અંદાજે 950થી વધુ વાહનો કૃષિ પેદાશો લઈને પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર યાર્ડ વિસ્તારમાં દિવસભર વ્યસ્તતા જોવા મળી હતી.
માર્કેટયાર્ડમાં એરંડા, કપાસ, કલોંજી, તુવેર, મગફળી, વટાણા, મગ, મેથી, જીરૂ, ધાણા, લસણ, કાળા તલ અને સફેદ તલ સહિતની વિવિધ કૃષિ ઉપજની નોંધપાત્ર આવક થઈ હતી. ખાસ કરીને તલ અને મગફળીની આવક મોટા પ્રમાણમાં નોંધાતા વેપારીઓમાં ખરીદી માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આજની આવક મુજબ સોયાબીનની અંદાજે 2500 મણ આવક નોંધાઈ હતી. કાળા તલની આવક 22 હજાર મણ સુધી પહોંચી હતી, જ્યારે સફેદ તલની સૌથી વધુ 34 હજાર મણ આવક નોંધાતા યાર્ડમાં ભારે ગતિશીલતા જોવા મળી હતી. શીંગદાણા/ફાડાની આવક 1500 મણ, વટાણાની 3600 મણ, એરંડાની 3500 મણ અને તુવેરની 4500 મણ આવક થઈ હતી.
આ ઉપરાંત જીરૂની 4000 મણ, લસણની 3300 મણ, ધાણાની 2700 મણ, મગફળીની 5500 મણ, કલોંજીની 2800 મણ તથા કપાસની 2000 મણ આવક નોંધાઈ હતી. વિવિધ જણસીઓથી ભરેલા વાહનોને યાર્ડમાં ક્રમબદ્ધ રીતે પ્રવેશ અપાઈ ઉતરાઈની કામગીરી સુચારૂ રીતે હાથ ધરવામાં આવી હતી.
માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આવક અને ઉતરાઈની કામગીરી માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વાહનોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક અને ઉતરાઈ વ્યવસ્થામાં કોઈ અડચણ ન ઊભી થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા મુજબ, સીઝનલ ઉપજની સતત આવકને કારણે આગામી દિવસોમાં પણ રાજકોટ માર્કેટયાર્ડમાં વેપાર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



