રાજ્યમાં 12 લાખ ટ્રક થંભી જવાની સંભાવના, જીવનજરૂ રી ચીજોની સપ્લાય ચેઈન ખોરવાશે?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, જો ઈંધણની અછત દૂર નહીં થાય તો, ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. આ જોતાં ટ્રાન્સપોર્ટરોએ ઇંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.
ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ થક મંદીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલપંપો જાણે બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છે કે, ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્ત્વની વાત તો એ છે કે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે.
ક્રાઈસિસ: પેટ્રોલ પંપો પર પાંચ દિવસે એક જ ટેન્કર મળે છે
એક બાજુ, સરકાર કહે છે કે, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે માટે નક્કર આયોજન કરાયું છે જ્યારે બીજી બાજુ, પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે, પાંચ દિવસમાં પેટ્રોલ-ડીઝલની એક જ ટેન્કર આવે છે. અપૂરતા જથ્થાને લીધે ટુ વ્હીલરથી માંડીને કાર-ટ્રકમાં મર્યાદિત માત્રામાં પેટ્રોલ-ડીઝલ આપવું પડે છે. મોટાભાગના વાહનચાલકો અછતના ડરથી ટાંકી ફૂલ કરવાનો આગ્રહ રાખે છે જેના લીધે રકઝક થાય છે.
- Advertisement -
ડીઝલની અછતને લીધે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા રૂ ટ પર ખાનગી બસોની સંખ્યામાં ઘટાડો
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સાથે સાથે ડીઝલની સર્જાયેલી અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. પર્યાપ્ત માત્રામાં ડીઝલ ન મળતાં ખાનગી ટ્રાવેલ્સ બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. અનેક ટ્રાવેલ્સ સંચાલકોએ બસોના રૂટ ઘટાડી દીધાં છે. એવું જાણવા મળ્યું છે કે, ખાનગી બસોના સંચાલનમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રાવેલ્સ ઓપરેટરોનું કહેવું છે કે, ડીઝલના પુરવઠામાં અનિયમિતતાને લીધે ખાનગી લક્ઝરી બસો દોડાવવી મુશ્કેલ બની છે. આ ઉપરાંત જો બસ ભાડું વધારવામાં આવે તો બસ મુસાફરોનો રોષ વહોરવો પડી શકે છે. આ સંજોગોમાં બસો ચલાવવી હવે આ થક રીતે પોષાય તેમ નથી. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી ગઈ છે. સાથે સાથે સૌરાષ્ટ્ર અને મુંબઈ દિલ્હી તથા એમપી સહિતના રાજ્યોમાં જતી ખાનગી બસોની સંખ્યામાં 25-30 ટકાનો ઘટાડો થયો છે.
અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપ પર 1 કિ.મી. લાંબી ટ્રેક્ટરની લાઈનો લાગી
ખેડૂતોનો આક્રોશ: ખાતરમાં, નોટબંધીમાં અને હવે ડીઝલ માટે પણ લાઈનો લગાવાની? ફેક્ટરીઓને મળે તો અમને કેમ નહીં?
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેને પગલે ધરતીપુત્રોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ પૂરતો જથ્થો ન મળતાં આખરે ખેડૂતોનો સંયમ ખૂટ્યો હતો અને રાજુલા-સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટરો આડા ધરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
છેલ્લા પાંચ દિવસથી રાજુલા અને જાફરાબાદ પંથકના ખેડૂતો ડીઝલ માટે દર-દર ભટકી રહ્યા છે. પેટ્રોલ પંપો પર વહેલી સવારના 4 વાગ્યાથી જ ટ્રેક્ટરોની 1-1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ જૂન મહિનો નજીક આવી રહ્યો છે અને 15 જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થવાનું છે, ત્યારે ખેતરોમાં રોટાવેટર ચલાવવા અને પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માટે ડીઝલ અત્યંત જરૂરી છે. બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવા છતાં ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આટલી હાલાકી છતાં પંપ ચાલકો દ્વારા માત્ર 2-2 હજાર રૂપિયાનું મર્યાદિત ડીઝલ આપવામાં આવતું હોવાથી ખેડૂતોની નારાજગી ચરમસીમાએ પહોંચી છે.
હાઇવે પર ટ્રેક્ટર આડા રાખી ચક્કાજામ
બુધવારે સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોનો આક્રોશ બેવડાતા તેઓ રાજુલા-સાવરકુંડલા હાઇવે પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો હાઇવેની વચ્ચે આડા ગોઠવી દઈ વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભાવી દીધો હતો. ખેડૂતોએ સરકાર અને સંબંધિત પુરવઠા તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અન્ય મુસાફરો પણ અટવાયા હતા.
ઈંધણની અછત છતાં સરકારે કહ્યું, ‘ગભરાશો નહીં’
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક 35થી 40 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે. અછતને પગલે કચ્છથી માંડીને ઉત્તર ગુજરાત સુધી ઠેર-ઠેર પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી-લાંબી કતારો લાગી છે. ખાસ કરીને રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આમ નાગરિકો અને ખેડૂતોને પરેશાની ભોગવવી પડી રહી છે.
મોટાભાગનાં પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલ નથી તેવા પાટિયા ઝૂલી રહ્યાં છે તેમ છતાંય સરકારે લોકોને અપીલ કરી છે કે, અફવાથી સાવધાન રહેવું, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે એટલે ગભરાશો નહીં. આજે કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર રહ્યો હતો.



