ઈરાન મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ. અમેરિકા સોદો ઈચ્છે છે, ઇઝરાયલ ફરી હુમલા કરવા માંગે છે. ટ્રમ્પ કહે છે: સોદો શક્ય છે, પણ વાટાઘાટ નિષ્ફળ તો યુદ્ધ તૈયાર. ઈરાન પ્રસ્તાવની સમીક્ષા કરે છે, મધ્યસ્થી શાંતિ મેમો પર કામ કરે છે.
ઈરાનને લઈને અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેની વ્યૂહનીતિના મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે તાજેતરમાં થયેલી ફોન કોલ પરની વાતચીત ઘણી તણાવપૂર્ણ રહી હતી. બંને નેતા વચ્ચે સૌથી મોટો વિવાદ એ વાત પર હતો કે ઈરાન પર ફરીથી સૈન્ય હુમલો કરવો જોઈએ કે પછી વાતચીત દ્વારા સમજૂતીના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ.
- Advertisement -
અહેવાલો મુજબ, નેતન્યાહૂ ઈરાનની સૈન્ય ક્ષમતા અને તેના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નબળું પાડવા માટે ફરીથી હુમલા શરૂ કરવા માંગે છે. અમેરિકન વેબસાઈટ Axios એ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે ફોન કોલ પછી નેતન્યાહૂ ખૂબ જ ગુસ્સામાં અને અશાંત દેખાતા હતા. અહેવાલો પ્રમાણે, આ વાતચીતમાં બંને નેતાઓ ભારે આક્રોશ અને તણાવમાં હતા.
ખાડી દેશોની અપીલ અને શાંતિ પ્રસ્તાવ
વાસ્તવમાં, ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે તેમણે ઈરાન પર સૂચિત હુમલાને હાલ પૂરતો ટાળી દીધો છે. એવું જાણવા મળ્યું છે કે કતાર, UAE અને અન્ય આરબ દેશોએ અમેરિકાને તણાવ ઓછો કરવા અપીલ કરી હતી, જેના કારણે સૈન્ય કાર્યવાહી રોકી દેવામાં આવી છે. આ સાથે જ પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતામાં એક નવો શાંતિ પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીની ભૂમિકા તૈયાર કરવાનો છે.
- Advertisement -
મધ્યસ્થ દેશો તૈયાર કરી રહ્યા છે ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે નેતન્યાહૂ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યસ્થ દેશો એક ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ તૈયાર કરી રહ્યા છે, જેના પર અમેરિકા અને ઈરાન હસ્તાક્ષર કરી શકે છે. આ પ્રસ્તાવ હેઠળ 30 દિવસ સુધી વાતચીત ચાલશે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની ખાડીને ખોલવા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
જો કે, ઈઝરાયલ આ સમગ્ર પ્રક્રિયાને લઈને ભારે આશંકાઓ સેવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈઝરાયલ સરકારની અંદર એક મોટો વર્ગ માને છે કે ઈરાન જાણીજોઈને વાતચીતને લાંબી ખેંચી રહ્યું છે અને આ સમય દરમિયાન પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ જ કારણે ઈઝરાયલ ફરીથી સૈન્ય કાર્યવાહીની તરફેણમાં છે.
જો વાતચીત નિષ્ફળ જશે તો ફરી યુદ્ધના ભણકારા
જો કે ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો આ વાતચીત સફળ નહીં થાય તો અમેરિકા ફરીથી યુદ્ધનો રસ્તો અપનાવી શકે છે. જો યોગ્ય જવાબ નહીં મળે તો પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ શકે છે.’
બીજી તરફ, ઈરાને પણ સ્પષ્ટતા કરી દીધી છે કે, તેઓ તેમના 14 મુદ્દાના પ્રસ્તાવના આધારે જ વાતચીત આગળ વધારશે. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વાર્તાલાપ ચાલુ છે, પરંતુ અત્યારે કોઈ સમજૂતી પર પહોંચવું સરળ દેખાતું નથી.
આ બધી બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ઈરાન મુદ્દે અમેરિકા અને ઈઝરાયલ હાલમાં એક સરખા વિચાર પર નથી. એક તરફ ટ્રમ્પ રાજકીય વ્યૂહનીતિના આધારે ઈરાનને તક આપવા માંગે છે, તો નેતન્યાહૂનું માનવું છે કે ઈરાન પર દબાણ જાળવી રાખવાનો સૌથી અસરકારક રસ્તો સૈન્ય કાર્યવાહી જ છે.




