છેલ્લાં 8-9 મહિના કામ ચાલ્યું પણ કામગીરી પૂર્ણ ન થઇ, હાલ કામગીરી બંધ છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના 150 ફૂટ રીંગ રોડથી કણકોટ રોડ વચ્ચે આવેલા રંગોલી કવાર્ટર નજીક, પંડિત દિનદયાળ નગર સામે વિર વિરુ અમૃત સરોવર ઉપર તૈયાર થઈ રહેલા પુલનું કામ છેલ્લા અનેક મહિનાથી અધૂરું રહેતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ પુલનું નિર્માણ કાર્ય લગભગ 8થી 9 મહિના પહેલા શરૂ થયું હતું, પરંતુ લાંબા સમય બાદ પણ કામ પૂર્ણ થવાનું નામ નથી લેતું. તેમજ હાલમાં પુલની કામગીરી સંપૂર્ણ રીતે બંધ પડી ગઈ છે, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. પુલ અધૂરું હોવાથી દરરોજ હજારો લોકોને વિર વિરુ અમૃત સરોવરનો ચક્કર મારીને મેઇન રોડ સુધી પહોંચવું પડે છે. આ વિકલ્પરૂપ માર્ગ પણ કાચો અને ધૂળિયોથી ભરેલો હોવાથી વાહનચાલકોને ભારે પરેશાનીઓ ભોગવવી પડે છે. ખાસ કરીને બે-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી સાબિત થઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, પુલનું કામ ઝડપથી પૂર્ણ થાય તો વિસ્તારના ટ્રાફિકનો ભાર ઘટાડવામાં મોટી મદદ મળશે. હાલની સ્થિતિમાં સમય અને ઈંધણ બંનેનો વ્યય થતો હોવાને કારણે લોકોમાં અસંતોષ વધ્યો છે. નાગરિકો તંત્ર પાસે વહેલી તકે કામગીરી ફરી શરૂ કરી પુલ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી રોજિંદા અવરજવરમાં પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે.



