જઙ પ્રેમસુખ ડેલુની કામગીરીએ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓના દિલ જીતી લીધા
3 વર્ષથી વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલું આશરે 51 લાખનું 35 તોલા સોનું પાછું મળ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જ્યારે કાયદો અને માનવતાનો સંગમ થાય છે, ત્યારે કેવા ભાવુક દૃશ્યો સર્જાય છે તેનો જીવંત પુરાવો સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકની કચેરીમાં જોવા મળ્યો. છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના ઉંબરે ઉભેલા એક પરિવાર માટે સુરેન્દ્રનગર પોલીસ ‘દેવદૂત’ બનીને આવી છે. માત્ર 6 કલાકની ગણતરીની મિનિટોમાં પોલીસે એક દંપતીને તેમના જીવનભરની મૂડી સમાન 35 તોલા સોનું (કિંમત અંદાજે ₹51 લાખ) પરત અપાવી નવું જીવન આપ્યું છે.
બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગરના અનિલ પરમાર અને તેમના પત્ની વ્યાજખોરોના એવા ચુંગાલમાં ફસાયા હતા કે તેઓ પોતાના નાના બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. વર્ષો પહેલા લીધેલા 3 લાખ રૂપિયાના બદલામાં 18 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરો વધુ 20 લાખની માંગણી કરી રહ્યા હતા અને ગીરવે મૂકેલું 35 તોલા સોનું પરત આપતા નહોતા.
જ્યારે એસપી પ્રેમસુખ ડેલુએ દાગીના ભરેલી થેલી મહિલાના હાથમાં મૂકી, ત્યારે તે મહિલા પોતાના આંસુ રોકી શકી નહીં. દાગીનાને માથે લગાડી, ધ્રુસકે ને ધ્રુસકે રડતાં તે બોલી ઉઠી, સાહેબ, 10 તારીખે મારા ભાઈના લગ્ન છે.
અમને બહુ બીક લાગતી હતી. છેલ્લા 3 વર્ષથી અમે નરક જેવું જીવન જીવતા હતા. આટલું બોલતા જ તેની આંખોમાં હરખના આંસુ હતા. ભાવુક થયેલી બહેને જ્યારે એસપીને પૂછ્યું, “સાહેબ, હું તમને રક્ષાબંધન પર રાખડી બાંધવા આવી શકું? ત્યારે એસપી પ્રેમસુખ ડેલુએ પણ અત્યંત વિનમ્રતાથી ’ચોક્કસ આવજો’ કહી ભાઈ તરીકેની ફરજ અને ખાખીની ગરિમા બંને જાળવી હતી. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર તમામ પોલીસકર્મીઓ અને નાગરિકોની આંખો ભીની થઈ ગઈ હતી. એસપી પ્રેમસુખ ડેલુ અને એ-ડિવિઝન પીઆઈ સોલંકીની ટીમે આ કેસમાં જે ત્વરિતતા દાખવી તે કાબિલે તારીફ છે. બપોરે 12 વાગ્યે પરિવાર રજૂઆત કરવા આવ્યો અને સાંજે 6 વાગ્યા સુધીમાં તો સોનું પરત મેળવી લેવાયું. છેલ્લા એક અઠવાડિયામાં સુરેન્દ્રનગર પોલીસે આવા 4 થી 5 કિસ્સાઓમાં વ્યાજખોરો પાસેથી મિલકતો અને દાગીના પરત અપાવ્યા છે.
એસ.પી. પ્રેમસુખ ડેલુનો માનવીય અભિગમ, વિકલાંગ દંપતીને ન્યાય
- Advertisement -
હોદ્દો નહીં, માનવતા મોટી
પ્રેમસુખ ડેલુ દ્વારા માનવતાભર્યો અભિગમ દાખવતા બે હૃદયસ્પર્શી પ્રસંગો સામે આવ્યા છે, જે પોલીસ પ્રત્યે જનવિશ્ર્વાસ વધુ મજબૂત બનાવે છે. સુરેન્દ્રનગરમાં વિકલાંગ દંપતિની ગંભીર સમસ્યાને લઈ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સંવેદનશીલ અને કડક નિર્ણય લઈ તાત્કાલિક ન્યાય અપાવ્યો. પોલીસની અસરકારક મધ્યસ્થતાથી જમીનના મૂળ દસ્તાવેજો પરત મળ્યા અને જૂનો કરાર રદ થયો. ન્યાય મળતાં દંપતિ ભાવુક બન્યું. આભાર સ્વરૂપે શાલ ઓઢાડતાં પ્રેમસુખ ડેલુએ જમીન પર બેસી સન્માન સ્વીકાર્યું.
દાગીનાને માથે લગાડી મહિલા ધ્રુસકે ને ધ્રુસકે રડી, મહિલાએ હરખથી ઓવારણા લીધા : જઙની જનતાને અપીલ
સુરેન્દ્રનગર પોલીસની આ કામગીરીએ સાબિત કરી દીધું છે કે પોલીસ માત્ર ગુનેગારોને સજા આપવા માટે નથી, પરંતુ પીડિતોના આંસુ લૂછવા માટે પણ છે. જે પરિવાર ગઈકાલ સુધી મરવાના વિચારો કરતો હતો, તે આજે સુરક્ષિત અનુભવી રહ્યો છે. આ કિસ્સો સમગ્ર રાજ્યની પોલીસ માટે પ્રેરણારૂપ બન્યો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વ્યાજખોરો સામે અમારું અભિયાન ચાલુ જ રહેશે. કોઈપણ નાગરિક જો વ્યાજખોરોના ત્રાસથી પરેશાન હોય તો ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરે. અમે તમારી સાથે છીએ અને ત્વરિત ન્યાયની ખાતરી આપીએ છીએ.



