સાંસ્કૃતિક રંગત, ગૌસેવા અને સંસ્કારનો અનોખો સમન્વય
મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પરના અમૃત વાટિકા ગ્રાઉન્ડમાં રોજ બપોરે 3 થી 6 શ્રોતાઓને શિવકથાનું રસપાન ગિરિબાપુ કરાવશે : રોજ રાત્રે 8 વાગ્યે ‘દિવ્ય ભક્તિ સંધ્યા’નું ભવ્ય આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે, જ્યાં ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ 23 એપ્રિલથી થવા જઈ રહ્યો છે. 1 મે સુધી ચાલનારા આ મહોત્સવનું આયોજન મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પર સર્વોદય સ્કૂલ નજીક આવેલા અમૃત વાટિકા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી શિવ કથાનું આયોજન કરવામાં આવશે, જ્યારે રાત્રે 8 વાગ્યે ડાયરો, ઝાંખી અને રસગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભક્તોને આધ્યાત્મિક આનંદ સાથે મનોરંજન પણ મળશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ માત્ર કથા પૂરતી સીમિત નથી, પરંતુ ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો સમન્વય કરતું એક વિશેષ અનુભવ છે.
આ આયોજન ‘જય સરદાર ગૌશાળા’ દ્વારા કરવામાં આવ્યું છે, જે છેલ્લા કેટલાય વર્ષોથી ગૌસેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. 2001માં માત્ર 25 ગાયોથી શરૂ થયેલું આ સેવા કાર્ય આજે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે, જ્યાં 2000થી વધુ જીવોની સંભાળ પ્રેમ, જવાબદારી અને સંકલ્પ સાથે લેવામાં આવે છે. ગૌશાળામાં ગૌમાતાની સંભાળ માટે પૌષ્ટિક આહાર, સ્વચ્છ અને અનુકૂળ વાતાવરણ તેમજ સતત આરોગ્ય ચકાસણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા નિયમિત સારવાર અને કાળજી આપવામાં આવે છે, જેના કારણે ગૌમાતાના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ ઉપરાંત, ગૌસેવાને લોકભાગીદારી સાથે જોડવા માટે લોકો પોતે ગૌમાતાને ખવડાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જન્મદિવસ કે અન્ય ખાસ પ્રસંગોને ગૌસેવા સાથે જોડવાની પણ અનોખી તક આપવામાં આવે છે, જેનાથી સેવા સાથે સંસ્કારનું સંવર્ધન થાય છે. 1000થી વધુ કાર્યકર્તાઓ અને સભ્યોની મજબૂત ટીમ દ્વારા સંચાલિત આ ગૌશાળા પારદર્શક વ્યવસ્થા અને વિશ્વાસના આધારે કાર્ય કરે છે. દરેક પ્રવૃત્તિ સંકલ્પ, અનુશાસન અને જવાબદારી સાથે આગળ વધે છે, જે આ મહોત્સવને વધુ અર્થપૂર્ણ બનાવે છે. આ રીતે, રાજકોટમાં યોજાનાર ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’ ભક્તિ, સેવા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ તરીકે શહેરવાસીઓ માટે એક યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહેશે.
કથા સાથે ભક્તિમય કાર્યક્રમો રજૂ કરાશે
- Advertisement -
રાજકોટમાં આયોજિત ગૌધામ શિવ કથા મહોત્સવ અંતર્ગત દરરોજ રાત્રે 8 વાગ્યે ‘દિવ્ય ભક્તિ સંધ્યા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે. વિવિધ દિવસોમાં જાણીતા કલાકારો અને કલાકારમંડળીઓ દ્વારા ભક્તિમય કાર્યક્રમો રજૂ થશે, જે શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. 25 એપ્રિલ, શનિવારે લોકગાયિકા અલ્પા પટેલ પોતાના સુરીલા સ્વરોથી ભક્તિરસ વરસાવશે, જ્યારે હાસ્ય કલાકાર હિતેશ અંટાળા પ્રેક્ષકોને મનોરંજન સાથે હસાવશે. 26 એપ્રિલ, રવિવારે યોગિતા પટેલ, પ્રદીપ પાઘડી અને કૌશિક પટેલ દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ યોજાશે. 27 એપ્રિલ, સોમવારે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને લોકગાયિકા શ્રુતિ પટેલ ભક્તિ અને લોકસાહિત્યનો રંગ ચઢાવશે, જ્યારે હાર્દિક જે. સોરઠીયા કાર્યક્રમનું સંચાલન સંભાળશે. આ દિવસે ચંદ્રશેખર દ્વારા ભગવાન શિવની આરાધનામાં ધુન, ભજન અને શિવ તાંડવનું વિશેષ પ્રદર્શન પણ થશે. 28 એપ્રિલ, મંગળવારે જયપુરની ‘રામ દીવાના’ ટીમ દ્વારા ઈશ્વર કી ભક્તિમય ઝાંખી અંતર્ગત વિશેષ નૃત્ય પ્રસ્તુતિ યોજાશે. ત્યારબાદ 29 એપ્રિલ, બુધવારે રાસ-ગરબા દ્વારા ભક્તિ અને લોકનૃત્યનો આનંદ માણવા મળશે. આ સિવાય 23, 24 અને 30 એપ્રિલના રોજ પણ સંગીતમય ભક્તિ કાર્યક્રમો યોજાશે, જે ભક્તોને આધ્યાત્મિક અનુભવ સાથે જોડશે. ‘રાગમાં ભક્તિ, ભક્તિમાં શિવ અને શિવમાં પરમ પૂર્ણતા’ના સૂત્ર સાથે આયોજિત આ સંધ્યા ભક્તોને સ્વર દ્વારા શિવ સુધીની પવિત્ર યાત્રાનો જીવંત અનુભવ કરાવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન તેજસ શિશાંગીયા દ્વારા કરવામાં આવ્યું છે અને જીલ એન્ટરટેનમેન્ટ તથા આરડી ગ્રુપના સહયોગથી આ ભવ્ય આયોજન સાકાર થઈ રહ્યું છે.
ગૌધામ શિવ કથા મહોત્સવના પ્રસંગો
23-04-2026, ગુરુવાર સવારે 8:00 વાગ્યે : પોથીયાત્રા : પ્રગટેશ્ર્વર મહાદેવથી વિધિવત પ્રસ્થાન
23-04-2026 (ગુરુવાર) : કથા પ્રારંભ
24-04-2026 (શુક્રવાર) : શિવ કથા રસપાન
25-04-2026 (શનિવાર) : શિવ કથા રસપાન
26-04-2026 (રવિવાર) : શિવ કથા રસપાન
27-04-2026 (સોમવાર) : શિવ કથા રસપાન
28-04-2026 (મંગળવાર) : સતી પ્રાગટ્ય
29-04-2026 (બુધવાર) : શિવ-પાર્વતી વિવાહ
30-04-2026 (ગુરુવાર) : શિવ કથા રસપાન
01-05-2026 (શુક્રવાર) : સવારે 9:00 વાગ્યે કથા પૂર્ણાહુતિ
કથા માટે ટ્રસ્ટીઓ સ્વખર્ચ કરશે, ટ્રસ્ટના ફંડનો નહીં થાય ઉપયોગ : દાતાઓનું દાન માત્ર ગૌસેવા માટે જ
આ કથાનો રોજ 45થી 50 હજાર ભાવિકો લાભ લેશે. કથા દરમિયાન રોજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 50 હજાર લોકો પ્રસાદી લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ વોલન્ટરી લાઇફ બ્લડ બેંક અને બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી 25 અને 28 એપ્રિલ તેમજ 1 મેના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટમાં યોજાનારા ગૌધામ શિવ કથા મહોત્સવને લઈ એક મહત્વપૂર્ણ અને વિશ્વાસજનક પાસું સામે આવ્યું છે. આયોજકો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમગ્ર કથાનું આયોજન તમામ ટ્રસ્ટીઓ પોતાના સ્વખર્ચે કરશે, જેમાં ટ્રસ્ટના એકપણ રૂપિયાનો ઉપયોગ કરવામાં નહીં આવે. આ નિર્ણયથી પારદર્શિતા અને નિષ્ઠાને વધુ મજબૂતી મળી રહી છે, આયોજકોના જણાવ્યા મુજબ, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગૌસેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓને નિષ્કપટતા સાથે આગળ વધારવાનો છે. આ ઉપરાંત, ભક્તો અને દાતાઓ દ્વારા આપવામાં આવતું દાન પણ માત્ર ગૌસેવાના લાભાર્થે જ ઉપયોગમાં લેવામાં આવશે. ગૌમાતાની સેવા, સંભાળ અને આરોગ્ય માટે આ રકમ ખર્ચવામાં આવશે, જે ગૌશાળાના કાર્યને વધુ સશક્ત બનાવશે. આ પ્રકારની પારદર્શક કાર્યપદ્ધતિ ગૌસેવાના ક્ષેત્રે એક સકારાત્મક સંદેશ આપી રહી છે અને સમાજમાં વિશ્વાસ વધારવાનું કામ કરી રહી છે.
દોહન અને વ્યાપારથી દૂર રહી માત્ર ગૌસેવા પર ભાર : દૂધનો ઉપયોગ માત્ર વાછરડાં માટે જ
રાજકોટમાં ગૌસેવાના ક્ષેત્રે એક અનોખું અને સંવેદનશીલ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં ગૌમાતાઓને માત્ર આશ્રય પૂરતો જ નહીં, પરંતુ પરિવારના લાડકવાયા સંતાન જેવી લાગણી સાથે સંભાળવામાં આવે છે. અહીં ગૌસેવાને વ્યાપારિક પ્રવૃત્તિથી સંપૂર્ણપણે અલગ રાખીને શુદ્ધ સેવા અને સંરક્ષણ પર કેન્દ્રિત કરવામાં આવી છે. આ ગૌશાળામાં ગૌમાતાઓનું દોહન કરવામાં આવતું નથી, તેમજ ગૌઉત્પાદનોના કોઈપણ પ્રકારના વેપારથી પણ દૂર રહેવામાં આવે છે. ગાયનું દૂધ માત્ર નાના વાછરડાઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે, જે ગૌપ્રેમ અને કરુણાના ઊંડા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ અભિગમ દ્વારા ગૌસેવામાં નિષ્ઠા, સહઅસ્તિત્વ અને સંવેદનશીલતા જેવા ગુણોને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગૌમાતાઓની સંભાળ સંપૂર્ણ આત્મીયતા સાથે કરવામાં આવે છે, જેમાં તેમના આરોગ્ય, સુરક્ષા અને આરામને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે. આ પ્રકારની સેવા પદ્ધતિ ગૌસેવાને માત્ર ધાર્મિક કે પરંપરાગત પ્રવૃત્તિ તરીકે નહીં, પરંતુ માનવતા અને સંસ્કારના જીવંત ઉદાહરણ તરીકે રજૂ કરે છે. રાજકોટમાં ચાલી રહેલું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે, જ્યાં સેવા અને કરુણા સાથે ગૌમાતાઓનું સન્માન જાળવવામાં આવે છે.



