ઈરાન માટે આજે એટલે કે મંગળવાર, 7 એપ્રિલનો દિવસ અત્યંત નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યો છે. એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમજૂતી માટે આપવામાં આવેલી ડેડલાઈન આજે પૂરી થઈ રહી છે, તો બીજી તરફ ઈઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઈઝરાયલ સેનાએ સત્તાવાર રીતે ઈરાનના નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ આગામી 12 કલાક સુધી ટ્રેન નેટવર્કનો ઉપયોગ ન કરે, કારણ કે ઈરાની રેલવે લાઈનો પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈઝરાયલ સેનાના ફારસી ચેનલે ઈરાની મુસાફરો માટે તાત્કાલિક ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે, રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેન કે રેલવે લાઈનની આસપાસ રહેવું જીવનું જોખમ નોતરી શકે છે.
- Advertisement -
ઈઝરાયલના સીધા એલાન બાદ સ્થિતિ વધુ ગંભીર
બીજી તરફ, આ ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સંભવિત જમીની આક્રમણનો સામનો કરવા માટે દેશના આશરે 1.4 કરોડ લોકોએ સ્વૈચ્છિક રીતે યુદ્ધ લડવા માટે નામ નોંધાવ્યા છે. અગાઉ 2 એપ્રિલના રોજ આ આંકડો 70 લાખ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈરાનની કુલ વસ્તી અંદાજે 9 કરોડ જેટલી છે. અગાઉ જાન્યુઆરીમાં ઈરાનમાં થયેલા રાષ્ટ્રવ્યાપી દેખાવો દરમિયાન થયેલી હિંસામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેના કારણે દેશમાં પહેલેથી જ તણાવ છે. હવે ઈઝરાયલના આ સીધા આક્રમણના એલાન બાદ પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે.




