15 મીટરના ડીપી રોડ પર ફરી બાંધકામો શરૂ થતા મનપાની કામગીરી સામે સવાલ
10 દિવસમાં રોડ બનાવી દઈશું તેવા મ્યુનિ. કમિશનરના દાવા પોકળ સાબિત થયાં
- Advertisement -
ડિમોલિશનમાં જેમના મકાનો વધુ તૂટી ગયા તેઓ સમારકામ કરતા હોવાનો સ્થાનિકોનો બચાવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ડિમોલિશન ઓપરેશનને હજુ માંડ એક મહિનો પૂર્ણ થયો છે, ત્યાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામોનો ગણગણાટ શરૂ થયો છે. 1400થી વધુ કાચા-પાકા બાંધકામો તોડી પાડ્યા બાદ ખાલી થયેલી જગ્યા પર ફરીથી ઈંટો ચણાવા લાગતા મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે.
સોરઠીયા વે-બ્રીજથી કેદારનાથ સોસાયટી સુધીના 15 મીટરના નવા ડીપી રોડ માટે મનપાએ આકરું વલણ અપનાવી રસ્તો સાફ કર્યો હતો. નિયમ મુજબ ડિમોલિશન બાદ તુરંત જ રોડનું કામ શરૂ થવું જોઈતું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર કામગીરી વિલંબમાં પડતા સ્થાનિકોએ ફરીથી દબાણો શરૂ કર્યા હોવાની ફરિયાદો ઉઠી છે. રોડની ફાળવાયેલી જગ્યા પર ફરી બાંધકામ શરૂ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જંગલેશ્વરનું ડિમોલિશન પૂર્ણ થતા જ નવા રસ્તાનું ખાતમુહૂર્ત થશે અને 10 દિવસમાં જ ખુલ્લો મુકી દેવાશે. આ શબ્દો પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર બોલ્યા હતા જેને એક મહિનો થવા આવ્યો છે પરંતુ હજુ રસ્તાનું ખાતમુહૂર્ત નથી થયું હતું. તંત્ર અને સ્થાનિકોએ જણાવ્યા મુજબ જે આસામીઓના મકાનો કપાયા હતા તેઓ પોતાની માલિકીની જગ્યામાં સમારકામ કરી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા નદીનાં પટ્ટ સહિતના વિસ્તારોમાં ખરાઇ કરવામાં આવી રહી છે.



