“લોકોને તમામ પ્રકારના દાખલા અને જરૂરી પ્રમાણપત્રો સહિતની સેવાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજય સરકારની અનોખી પહેલ એટલે સેવાસેતુ કાર્યક્રમ”- રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી

આજરોજ રાજય વ્યાપી સેવાસેતુના ૭મા તબ્બકાના પ્રારંભ અન્વયે રાજકોટ તાલુકાના ગૌરીદડ ગામે તાલુકા શાળા ખાતે રાજયના વાહનવ્યહવાર રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવાયો હતો.
- Advertisement -

લોકોને સામાન્ય રીતે રાજય સરકારની કલ્યાણકારી વિવિધ યેાજનાઓ અને સહાયનો લાભ મેળવવા માટે જરૂરી આવકના દાખલા, જાતીના દાખલા, આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ ખોલવા સીનીયર સીટીઝન પ્રમાણપત્ર સહિત વિવિધ વિભાગોની ૫૬ જેટલી સેવાઓ સેવાસેતુ કાર્યક્રમ અન્વયે સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

- Advertisement -
સેવાસેતુ કાર્યક્રમનું મહત્વ દર્શાવતા રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સામાન્ય નાગરીકોને રાજય સરકારની સહાય અને કલ્યાકારી યોજનાઓનો લાભ સુલભ બને અને આ માટે જરુરી દસ્તાવેજો અને દાખલાઓ એક જ સ્થળે ઘરઆંગણે ઉપલબ્ધ બને તે માટે રાજય સરકારની આ એક અનોખી પહેલ છે. મંત્રી રૈયાણી અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે ગંગાસ્વરૂપા આર્થીક સહાય યોજનાના લાભાર્થી બહેનોને લાભોનું વિતરણ કરાયું હતું. આ તકે ખાસ યોજાયેલ કોવીડ-૧૯ રસીકરણ કેમ્પની મુલાકાત લઇને તેઓએ લોકોને રસીકરણ કરાવી રાજય અને રાષ્ટ્રને કોરોના સામે સુરક્ષીત બનાવવા અપીલ કરી હતી.

આ તકે કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ખાસ ઉપસ્થીત રહીને સમગ્ર સેવાસેતુની કામગીરી નિહાળી હતી તથા કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત દિવ્યાંગ લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇ પ્રોત્સાહિત કર્યા હતા.

આ તકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી , સહિત વિવિધ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ /કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ભાઇઓ–બહેનો ઉપસ્થિત રહ્યા હતા.



