બેટ દ્વારકામાં તીર્થ પુરોહિતો દ્વારા યજમાનોને દર્શન કરાવવાની પરંપરા આદિ-અનાદિ કાળથી ચાલી આવે છે, તેને બંધ ન કરી શકાય
બેટ દ્વારકાના તીર્થ પુરોહિતોના પ્રશ્ર્નોને લઈ બ્રહ્મદેવ સમાજ મેદાને: 17 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પેઢી દર પેઢી યજમાનવૃત્તિ કરતા ગુગળી બ્રાહ્મણો અને મંદિર ટ્રસ્ટ વચ્ચે વિવાદ ઉભો થયો છે. છેલ્લા કેટલાક મહિનાથી મંદિરમાં યજમાનો સાથે પ્રવેશ ન મળતાં રોષે ભરાયે ગુગળી બ્રાહ્મણો હવે લડી લેવાના મૂડમાં જણાય છે. બ્રાહ્મણોએ આક્ષેપ કર્યો છે કે, ટ્રસ્ટના ’તુગલગી’ નિર્ણયને કારણે તેમની આજીવિકા જોખમમાં મુકાઈ છે. બેટ દ્વારકા મંદિરમાં તેમને 40 ટકાનો બંધારણીય અધિકાર મળેલો છે. તેઓ વર્ષોથી યાત્રિકોને ભગવાનનું મહત્વ સમજાવી દર્શન કરાવે છે, જેના બદલામાં યાત્રિકો સ્વેચ્છાએ દક્ષિણા આપે છે.
બેટ દ્વારકા ખાતે પરંપરાગત રીતે પૂજા-અર્ચના અને યજમાનોને દર્શન કરાવતા તીર્થ પુરોહિતોના પ્રશ્નો હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી પુરોહિતોની વ્યવસ્થામાં આવેલા અવરોધોને લઈને બ્રહ્મદેવ સમાજ મહાસંઘના મહાસચિવ મિલન શુક્લ દ્વારા સરકાર અને મંદિર ટ્રસ્ટને સીધી ચેતવણી આપવામાં આવી છે. મિલન શુક્લના જણાવ્યા અનુસાર બેટ દ્વારકામાં તીર્થ પુરોહિતો દ્વારા યજમાનોને દર્શન કરાવવાની પરંપરા આદિ-અનાદિ કાળથી ચાલી આવે છે. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી આ વ્યવસ્થા અચાનક બંધ કરી દેવામાં આવી છે. આ બાબતે પુરોહિતોની રજૂઆત સાંભળવામાં આવતી નથી, જેના કારણે બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રાહ્મણોના જણાવ્યા અનુસાર તીર્થ પુરોહિતો સનાતન વૈદિક પરંપરાને જીવંત રાખવાનું કાર્ય કરે છે, તેમને હેરાન કરવા તે ગેરવ્યાજબી છે. તેમણે ટ્રસ્ટી મંડળના સભ્યો, ખાસ કરીને સમીર પટેલના નામનો ઉલ્લેખ કરી તેમની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા છે. મંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ મંત્રી સૌરભ પટેલને આ બાબતે હસ્તક્ષેપ કરી તાકીદે નિરાકરણ લાવવા વિનંતી કરી છે. મિલન શુક્લે સ્પષ્ટ કર્યું છે કે આગામી 17 તારીખે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાવાની છે. જો આ બેઠકમાં પુરોહિતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો બ્રહ્મદેવ સમાજ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવશે. આગામી સપ્તાહમાં આ મુદ્દે મિલન શુક્લ અને અન્ય બ્રહ્મ અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે પણ રૂબરૂ મુલાકાત કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે 17 તારીખની બેઠકમાં શું નિર્ણય લેવાય છે અને આ વિવાદ શાંત પડે છે કે કેમ.
બહારગામથી આવતા યાત્રિકોએનું પણ યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણોને સમર્થન
- Advertisement -
પેઢી દર પેઢીથી મંદિરમાં યજમાનવૃત્તિ કરતા હોવાનો બ્રાહ્મણોએ દાવો કર્યો છે. બ્રાહ્મણોનું કહેવું છે કે મંદિરમાં યજમાન વૃત્તિ બ્રાહ્મણોનો અધિકાર છે. કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યકત કરીને તેમણે કહ્યું કે, યજમાનો સાથે મંદિર પ્રવેશ રોકવો એ બ્રાહ્મણોના અધિકાર પર રોક સમાન છે. બહારગામથી આવતા યાત્રિકોએ પણ આ મામલે પુરોહિતોનું સમર્થન કર્યું છે. યાત્રિકોના મતે બ્રાહ્મણો સાથે હોવાથી વૃદ્ધ અને અશક્ત લોકોને દર્શનમાં સરળતા રહે છે. બ્રાહ્મણોના અભાવે યાત્રિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને આ પરંપરા વહેલી તકે શરૂ થાય તેવું ઈચ્છી રહ્યા છે.



