પ્રદિપભાઈ પટેલની અનોખી અને પ્રેરણાદાયી પહેલ
ગોબર સ્ટિક એ ગૌસેવા અને પ્રકૃતિ સંરક્ષણનો સેતુ બનશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હોળીનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પરંપરા, પર્યાવરણ અને સામાજિક જવાબદારી અંગેની ચર્ચાઓ પણ તેજ બની છે. આવી સ્થિતિમાં પ્રદિપભાઈ પટેલ સમાજને એક સરળ પરંતુ અસરકારક સંદેશ આપી રહ્યા છે હોળીનું દહન લાકડાથી નહીં, પરંતુ ગાયના છાણમાંથી બનેલી ગોબર સ્ટીકથી કરવું જોઈએ. તેમની આ પહેલ પર્યાવરણ રક્ષણ સાથે ગૌસેવા માટે પણ આશીર્વાદ સમાન બની રહી છે. હોળી આપણા સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. પ્રાચીન સમયમાં લોકો ગાયના છાણમાંથી બનેલા છાણા વડે જ હોળી પ્રગટાવતા હતા, જેના કારણે પ્રકૃતિ અને પરંપરાનું સુંદર સંતુલન જળવાતું હતું. સમયાંતરે દેખાદેખી અને આડંબરના પ્રભાવથી મોટી માત્રામાં લાકડાનો ઉપયોગ થવા લાગ્યો, જેના કારણે વૃક્ષો કપાય છે અને પર્યાવરણ પર નકારાત્મક અસર પડે છે. તેમના કહેવા મુજબ હોળી શિયાળાની ઋતુ પૂર્ણ થઈ ઉનાળાની શરૂઆતનો સંક્રમણ સમય છે. આ સમયગાળામાં હવામાં વિવિધ પ્રકારના જીવાણુઓ સક્રિય હોય છે. પરંપરાગત રીતે છાણાની હોળી કરવામાં આવતી ત્યારે તેના ધુમાડાને જીવાણુનાશક માનવામાં આવતો હતો. આજના સમયમાં જ્યારે પ્રદૂષણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ ગંભીર બન્યા છે, ત્યારે ફરીથી પરંપરાગત પદ્ધતિ અપનાવવાની જરૂર છે.
પ્રદિપભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી શેરીએ શેરીએ જઈને ગોબર સ્ટીકનું વિતરણ કરી રહ્યા છે. તેઓ લોકો સુધી વ્યક્તિગત રીતે પહોંચી સમજાવે છે કે લાકડાની હોળી કરતાં છાણાની હોળી વધુ પર્યાવરણમૈત્રી અને લાભદાયક છે. તેઓ માત્ર 20 રૂપિયા પ્રતિ કિલોના દરે ગોબર સ્ટીક ઉપલબ્ધ કરાવે છે અને ઘર સુધી ડિલિવરીની સુવિધા પણ આપે છે, જેથી વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાઈ શકે. તેમના મત અનુસાર જો સમાજ ગોબર સ્ટીક અપનાવે તો ગૌશાળાઓ માટે આવકનો એક સશક્ત સ્ત્રોત ઉભો થઈ શકે.
ગાયના છાણનો યોગ્ય ઉપયોગ થવાથી ગૌશાળાઓ સ્વાવલંબી બનશે અને ગૌસેવામાં નવી દિશા મળશે. આ એક એવો માર્ગ છે જેમાં પર્યાવરણ સંરક્ષણ અને ગૌસેવા બંનેનું સંતુલન સાધી શકાય છે. આ વર્ષે હોળીના પર્વે ગોબર સ્ટીકનો ઉપયોગ કરીને એક સકારાત્મક શરૂઆત કરવાની જરૂરિયાત સમયની માંગ બની ગઈ છે.



