રાજ્યમાં બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર અને જીન માલિકો એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં બે વાર પડેલા માવઠા બાદ, હવે વધુ નુકસાન ન થાય તે માટે સીસીઆઈના અધિકારીઓ અને જીન માલિકોએ કરોડો રૂપિયાના મુદ્દામાલને બચાવવા દોડધામ શરૂ કરી છે.
34 જીનોમાં સુરક્ષા કવચ
- Advertisement -
છોટાઉદેપુર જિલ્લામાં કપાસ ખરીદવાની અંદાજે 34 જેટલી જીનો આવેલી છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા અહીં મોટા પાયે કપાસની ખરીદી કરવામાં આવી છે. હાલમાં જીનિંગ પ્રક્રિયા બાદ તૈયાર થયેલી રૂની ગાંસડીઓ અને કપાસિયાના વિશાળ ઢગલાઓ ખુલ્લામાં ખડકાયેલા છે. વરસાદી આફતથી બચવા માટે જીન માલિકોએ મોટી સંખ્યામાં તાડપત્રીઓ મંગાવી રૂની ગાંસડીઓને સુરક્ષિત કરી છે. કપાસિયાના ઢગલાઓ પર પણ પ્લાસ્ટિક અને તાડપત્રીનું આવરણ ચડાવી દેવામાં આવ્યું છે.
ભલે તકેદારીના ભાગરૂપે માલ ઢાંકી દેવામાં આવ્યો છે, પરંતુ સીસીઆઈના અધિકારીઓ અને જીન માલિકોમાં ચિંતાનો માહોલ છે. જો વરસાદનું જોર વધે અને પાણી જીનિંગ એરિયામાં ભરાય, તો રૂની ગુણવત્તા બગડવાની અને કપાસિયામાં ભેજ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. આ સંજોગોમાં આર્થિક નુકસાનનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે.
માત્ર વેપારીઓ જ નહીં, પણ જિલ્લાના ખેડૂતો પણ આ કમોસમી વરસાદથી ચિંતિત છે. ચાર દિવસમાં બે વાર પડેલા વરસાદે તૈયાર પાકને નુકસાન પહોંચાડ્યું છે. જો હજુ પણ વરસાદી માહોલ જારી રહેશે, તો ખેતીમાં પણ મોટી પાયમાલી થવાની ભીતિ જગતનો તાત સેવી રહ્યો છે.




