ટી-20 વર્લ્ડકપ : જીત નિશ્ચિત હતી, છતાં ભારતે રમત રમવાનો આનંદ લીધો !
ભારતના 175/7 સામે પાકિસ્તાન 18 ઓવરમાં 114 રનમાં ખખડયું : ટીમ ઈન્ડિયાનો જીતની હેટ્રિક સાથે સુપર-એઈટમાં પ્રવેશ
- Advertisement -
એશિયા કપ બાદ ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારતે પાકિસ્તાન સાથે હાથ ન મિલાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ કોલંબો
ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ શિવરાત્રિએ તાંડવના તોફાની અંદાજમાં આક્રમક દેખાવ કરતાં પાકિસ્તાનને ટી-20 વર્લ્ડ કપની ગૂ્રપ-એની મેચમાં 61રનથી કારમો પરાજય આપ્યો હતો. ઓપનર કિશને માત્ર 40 જ બોલમાં 77 રનની વિસ્ફોટક બેટિંગ કરતાં ભારતે સાત વિકેટે 175નો સ્કોર ખડક્યો હતો. આ પછી ભારતીય બોલરોએ સપાટો બોલાવતા પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં 114 રનમાં જ ખખડી ગઈ હતી. ભારતે આ સાથે ટી-20ના ઈતિહાસમાં પાકિસ્તાન સામે સૌથી મોટા અંતરનો વિજય મેળવ્યો હતો. ભારતે આ સાથે ટી-20માં વર્લ્ડ ચેમ્પિયનનો તાજ જાળવી રાખવાનો ઈરાદો સ્પષ્ટ કરતાં ગૂ્રપ-એમાં જીતની હેટ્રિક નોંધાવી હતી અને સુપર-એઈટમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાન ભારત સામે 20માંથી 18 ઓવર સ્પિનરો પાસે નંખાવી હતી, પણ તેઓ ખાસ પ્રભાવ પાડી શક્યા નહતા અને ભારતે તેનું આગવું પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ. ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બર-2022 પછી એક પણ ટી-20 મેચ હારી નથી. જ્યારે ટી-20 વર્લ્ડકપમાં ભારતનો આ નવમી મેચમાં આઠમો વિજય હતો. હાર્દિક, બુમરાહ, અક્ષર અને વરૂણે 2-2 વિકેટ ઝડપી હતી. કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ ટી-20 બાદ આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા નહતા. કોલંબોની મુશ્કેલ પીચ પર જીતવા માટેના 176ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પાકિસ્તાનના ટોપ ઓર્ડર પર ગુજરાતના બોલરો હાદિક, બુમરાહ અને અક્ષર છવાઈ ગયા હતા. હાર્દિકેે ફરહાનને આઉટ કર્યો તે પછી બીજી જ ઓવરમાં બુમરાહે બે વિકેટ ઝડપતાં પાકિસ્તાન 13/3 પર ફસડાયું હતુ. આ પછી અક્ષરે બાબરને પેવેલિયન ભેગો કરતાં પાકિસ્તાનની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતુ. ઉસ્માને 44 રન સાથે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ અક્ષરે તેને પણ કિશનના હાથે સ્ટમ્પ્ડ આઉટ કરાવતા ભારતની જીતની રાહ આસાન બનાવી હતી.અગાઉ પાકિસ્તાનના કેપ્ટન આગાએ ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. અભિષેક (0) પહેલી ઓવરમાં આઉટ થયો હતો. જોકે તે પછી કિશને ઝંઝાવાતી બેટિંગ કરતાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 40 બોલમાં 77 રન ફટકારતાં પાકિસ્તાન પર દબાણ સર્જ્યું હતુ. કેપ્ટન સૂર્યકુમારે 32 રનની જવાબદારીભરી ઈનિંગ રમી હતી. જ્યારે દુબેએ 17 બોલમાં 27 રન ફટકારતાં ભારતને સાત વિકેટે 175 રન સુધી પહોંચાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.



