સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હંગામાને કારણે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ નહીં આપી શકે.
બુધવારે સાંજે 5 વાગ્યે તેમના ભાષણનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. પરિણામે, વડાપ્રધાનના ભાષણ વગર જ રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો ‘ધન્યવાદ પ્રસ્તાવ’ મંજૂર કરી લેવામાં આવ્યો છે.
- Advertisement -
2004 પછી પ્રથમવાર આવી ઘટના
સંસદીય ઇતિહાસમાં 2004 પછી આ પ્રથમ એવી ઘટના છે જ્યારે વડાપ્રધાનના ભાષણ વગર ધન્યવાદ પ્રસ્તાવ પસાર થયો હોય. અગાઉ 2004માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ પણ હંગામાને કારણે પોતાનું ભાષણ આપી શક્યા નહોતા. આ વખતે પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે સમગ્ર ચર્ચા દરમિયાન માત્ર ત્રણ સાંસદો જ પોતાની સ્પીચ પૂરી કરી શક્યા હતા.
હંગામા વચ્ચે ધ્વનિમતથી પ્રસ્તાવ પસાર
- Advertisement -
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓને ગૃહ સમક્ષ રાખ્યા હતા, જેને બહુમતીથી ફગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્પીકરે ધન્યવાદ પ્રસ્તાવને મતદાન માટે મૂક્યો હતો અને હંગામાની વચ્ચે જ તેને ‘ધ્વનિમત’ (Voice Vote) થી પસાર કરી દેવામાં આવ્યો હતો. વિપક્ષી સાંસદોની સતત નારેબાજીને જોતા સ્પીકરે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.




